આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Daily Archives: માર્ચ 24, 2011

યાત્રાધામ ગળતેશ્વરમાં ધુળેટીએ લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં


ખેડા જિલ્લાના ઐતિહાસિક યાત્રાધામ ખાતે મહાદેવજીનું પૌરાણિક મંદિર આવેલું છે,દર વર્ષે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગળતેશ્વરના દર્શન અને મહીસાગર નદીના પવિત્ર સ્નાનનો લ્હાવો લેવાનું ચુકતા નથી.હોળીપુનમના દર્શન કરવા માટે યાત્રાધામ ડાકોરમાં આવેલા કેટલાયે શ્રધ્ધાળુઓ ગળતેશ્વરની મુલાકાત લેવાનું ચુકતા નથી,જેને કારણે હોળી અને ધુળેટી એમ બે દિવસમાં આશરે ત્રણેક લાખ શ્રધ્ધાળુઓએ ગળતેશ્વરમાં દર્શન અને પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો.દર વર્ષે ધુળેટીના દિવસે એકાદ બે જણ મહીસાગરમાં ડુબી જતા હોવાનો ઈતિહાસ જોવા મળે છે,પરંતુ સદ્નસીબે આ વર્ષે એવો કોઈ બનાવ ન બનતાં પોલીસ તંત્રએ પણ હાશ અનુભવી હતી.
ખેડા જિલ્લાના પૌરાણિક યાત્રાધામ ગળતેશ્વર ખાતે ધુમ્મટ વિહોણુ મહાદેવ મંદિર આજે પણ તે ઐતિહાસિક હોવાનો પુરાવો આપી રહ્યું છે.યાત્રાધામ વિકાસ બોર્ડની નજરમાં સતત ઉપેક્ષિત રહેલું ગળતેશ્વર હજી સુધી ચોક્કસ વિકાસ પામ્યું નથી.તેમ છતાં વાર-તહેવારે ગળતેશ્વરની યાત્રાએ લાખ્ખો શ્રધ્ધાળુઓ આવતા રહે છે.ગઈકાલે ધુળેટીના દિવસે તો સવારથી જ જાણે કે માનવ મહેરામણ ઉમટયો હોય તેમ ગળતેશ્વરમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી જવા પામી હતી.ગળતેશ્વર મહાદેવના દર્શનની સાથે સાથે મહત્તમ શ્રધ્ધાળુઓએ પવિત્ર મનાતી મહીસાગર નદીમાં પવિત્ર સ્નાન કરવાનો મોકો છોડયો નહોતો. યાત્રીઓની સાથે સાથે હોળીના રંગે રગાઈ જનારા ઠાસરા તેમજ આજુબાજુના ગામોના કેટલાયે લોકો મહીસાગરના પાણીમાં શરીરે ચઢેલો રંગ ઉતારવા પહોંચી ગયા હતા,જેને કારણે ગળતેશ્વરમાં યાત્રીઓની સંખ્યા બેવડાઈ ગઈ હોય તેમ જોવા મળતુ હતુ.
ઠાસરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી સંભાળી હોવાને કારણે કિલોમીટરો સુધી લાંબી કતારોમાં વાહનો ખડકાઈ ગયા હોવા છતાં યાત્રીઓ કે વાહનચાલકોને કોઈ પરેશાની કે ટ્રાફિક જામની સમસ્યા નડી નહોતી.
આ ઉપરાંત પાછલા વર્ષોના ઈતિહાસ મુજબ દર વર્ષે ધુળેટીના દિવસોમાં ગળતેશ્વર ખાતે મહીસાગર નદીમાં એકાદ બે વ્યક્તિઓના મોત પાણીમાં ડુબીને થતા રહ્યા છે,જો કે આ વર્ષે નદી કિનારે બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસની સતર્કતાને કારણે એકપણ વ્યુક્તિ ડુબી ગયો હોવાનું સાંભળવા મળ્યું નહોતું.મહીસાગર નદીના વહેતા પાણીની સાથે સાથે નદીમાં જોવા મળતા મોટા કદના પથ્થરોએ કેટલાયે યાત્રીઓને ફોટોગ્રાફી કરવા મજબુર બનાવી દીધા હતા.ગળતેશ્વરના રમણીય કુદરતી સૌદર્યની મઝા માણવાની સાથે સાથે યાત્રીઓએ ભરપુર રીતે મહીસાગરના પવિત્ર સ્નાનનો લાભ લીધો હતો

Advertisements

મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે..


મુગલે આઝમનું લોકપ્રિય ગીત

નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની રચના

  • ૧૯૧૯ માં ગુજરાતી નાટક છત્રવિજય માટે લખાયેલ ગીતની ઉઠાંતરી ગીતકાર શકીલ બદાયુની દ્વારા કરવામાં આવી હતી
  • ૪ દાયકા બાદ ગીતકારના પૌત્ર રાજ બ્રહ્મભટ્ટે વાંધો ઉઠાવ્યો
  • મુગલે આઝમના પુનઃ નિર્માણ થતાં આ ગીતના ગીતકાર
  • તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ સમાવાયુ
  • હેરિટેજ વિભાગ દ્વારા નજરઅંદાજ થયેલા રસકવિને સન્માન આપવામાં આવે તે આવકાર્ય

નડિયાદ, તા.૨૨

જિલ્લામથક નડિયાદમાં અનેક સાહિત્યકારો થઈ ગયા હોવાથી આજે ગર્વ સાથે નડિયાદને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે.નડિયાદના અનેક સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્ય સહિતને ઘણુ બધુ આપ્યું છે.નડિયાદના આવા જ એક ગીતકાર દ્વારા પોતાના ગુજરાતી નાટક માટે કથ્થક નૃત્ય માટે હિંદી ગીત લખવામાં આવ્યું હતું.નડિયાદના આ ગીતકાર દ્વારા નિર્માણ પામેલા મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ની કોઈપણ જાતની મંજુરી વિના ગીતની ઉઠાંતરી કરીને કે.આસીફની મુગલે આઝમ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યું હતું,જે તે સમયે તેનો કોઈ વિરોધ ગીતકારે ઉઠાવ્યો નહોતો,પરંતુ ચાર દાયકા પછી મુંબઈમાં રહેતા ગીતકારના પૌત્રએ વાંધો ઉઠાવતાં ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો ચુકાદો આપીને એ વાત માન્ય રાખી હતી કે મોહે મનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ગીતના ખરા નિર્માણકર્તા નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા.

સૌથી વધુ સાહિત્યકારોની જન્મભુમિ,કર્મભુમિ કે વતન છે તેવા નડિયાદ શહેરના જ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૮૯રમાં થયો હતો.અભ્યાસ બાદ કવિતાઓ લખવામાં નિપુણ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ગુજરાતી નાટકમાં કથ્થક નૃત્ય માટે મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…હિંદી ગીત લખ્યું હતું.નિર્માતા કે.આસીફ દ્વારા હિન્દી ફિલ્મ મુગલે આઝમ બનાવવામાં આવી ત્યારે ગીતકાર શકીલ બદાયુનીએ આ ગીતની ઉઠાંતરી કરીને સાચા ગીતકાર રઘુનાથ બ્રહ્મભટ્ટની મંજુરી વિના સમાવી લીધું હતું.

વર્ષ ૧૯૬૦માં જ્યારે મુગલે આઝમ ફિલ્મ રીલીઝ થઈ ત્યારે રઘુનાથ બ્રહ્મભટ્ટ દ્વારા કોઈ જ વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો,પરંતુ ૪ દાયકા પછસ તેઓના મુંબઈમાં રહેતા પૌત્ર ડો.રાજ બ્રહ્મભટ્ટ દ્વારા આ બાબતનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો,જેને પગલે મોટો વિવાદ ઉભો થતાં ફિલ્મ રાઈટર્સ એસોસિએશન દ્વારા પણ આ મામલે સહકાર આપવામાં આવ્યો હતો,જેને પગલે વર્ષ ર૦૦૪માં જ્યારે મુગલે આઝમ ફિલ્મની કલર ડી.વી.ડી. બહાર પાડવામાં આવી ત્યારે આ ગીતના નિર્માણકર્તા તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

મુગલે આઝમનું પુનઃ નિર્માણ કરનાર નિર્માતા બોનીકપુર અને દિનેશ ગાંધી સાથે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર રાજ બ્રહ્મભટ્ટે ગીત બાબતે સાચી જાણકારી આપતાં અને સમગ્ર બાબતથી વાકેફ કરતાં પુનઃ નિર્માણ થયેલી મુગલે આઝમ ફિલ્મના મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ગીતના નિર્માણકર્તા તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ સમાવી લેવામાં આવ્યું હતું.જે અંગે શકીલ બદાયુનીના

પૌત્ર જાવેદ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.જેને પગલે ૪પ વર્ષે ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો અંત આણીને ચુકાદો આપીને એસોસિએશને એ વાત માન્ય રાખી હતી કે મોહે પનઘટ પે નંદલાલ છડો ગયો રે…. ગીતના સાચા નિર્માણકર્તા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ હતા.આમ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે આ રસકવિ નડિયાદના અનેક સાહિત્યકારોમાંના જ એક છે.સાહિત્યકારોના સરનામા અને સાહિત્યિક યાત્રાની વાતો કરતા હેરિટેજ વિભાગ દ્વારા પણ જે તે સમયે રઘુનાથ બ્રહ્મભટ્ટ તરફ દુર્લક્ષ સેવ્યું હોવાનું કહેવાય છે. જો કે નડિયાદ નગરપાલિકા દ્વારા કાઢવામાં આવેલી સાક્ષરતા રેલી દરમ્યાન રઘુનાથ બ્રહ્મભટ્ટની સ્મૃતિ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પાલિકાના હેરિટેજ વિભાગે સ્મૃતિ સ્થળ માટેની ડિઝાઈન ઉપર મંજુરીની મહોર મારી દેવામાં આવી હતી.નડિયાદ શહેરમાં રસકવિ ના નિવાસ સ્થાનની નજીક આવેલા બ્રહ્મભટ્ટ ચોરા ખાતે સ્મૃતિ સ્થળનું નિર્માણ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.નડિયાદના બ્રહ્મભટ્ટ સમાજ હસ્તકની આ જગ્યા સમાજ દ્વારા ફાળવવાની પણ તૈયારી દાખવી છે,ત્યારે બ્રહ્મભટ્ટ ચોરાની જગ્યાએ રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની યાદમાં સ્મૃતિમંદિર ક્યારે બનાવવામાં આવશે,તે જોવું રહ્યું.જો કે અત્યારે તો બ્રહ્મભટ્ટ ચોરો તુટેલી ફુટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે,ત્યારે નડિયાદ નગરપાલિકા અને હેરિટેજ વિભાગ દ્વારા સાહિત્યકારોના સરનામા અને સાહિત્યિક યાત્રામાં નજરઅંદાજ થઈ ગયેલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની સ્મૃતિ કાયમી બને તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે તે આવકાર્ય છે.

 

%d bloggers like this: