આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

કરોડોનો ચૂનો લગાડનાર ઠગ ટોળકી સામે પોલીસ ફરિયાદ


નડિયાદ તા.૨૧

જિલ્લામથક નડિયાદમાં આલિશાન ઓફિસ ભાડે રાખીને આણંદ તેમજ ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને લલચાવીને લોન આપવાને બહાને આશરે દશ હજાર જેટલા લોકો પાસેથી વ્યક્તિદીઠ રૃ.૧પ૦૦ થી ર૦૦૦૦ રૃ.જેવી રકમ ઉઘરાવીને કરોડો રૃપીયાનો ચુનો લગાવી જતાં ખેડા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ બેરોજગાર લોકો રસ્તા ઉપર આવી ગયા છે.નડિયાદ શહેર પોલીસને છેલ્લા ત્રણેક દિવસથી આ બાબતની ગંધ આવી ગઈ હોવા છતાં ફરિયાદીની વાટ જોઈને બેસી રહેતાં ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હોવાની લાગણી રૃપીયા ગુમાવનારાઓમાં જોવા મળી રહી છે.નડિયાદ પોલીસે કરોડોની ઠગાઈ સામે માત્ર ર૦હજાર રૃપીયાની એક જ પોલીસ ફરિયાદ નોંધીને ઠગ ટોળકીના કારનામાઓને સામાન્ય દેખાડવાની કોશિષ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ દબાતા અવાજે ઉઠી રહ્યા છે.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે એક શોપીંગ સેન્ટરમાં દુન ભાડે રાખીને શિવમ કન્સલટન્સીના નામે ગૃપ લોન,પર્સનલ લોન, ખેતી(કૃષિ) લોન, ટુ વ્હીલર,થ્રી વ્હીલર,ફોર વ્હીલર,વ્હીકલ લોન,મોર્ગેજ લોન,હાઉસીંગ લોન,એજ્યુકેશન લોન આપવાની જાહેરાતો કરીને ગામડાના બેરોજગાર લોકોને લલચાવ્યા હતા.શિવમ કન્સલટન્સીના જવાબદારો દ્વારા અલગ અલગ ગામડાઓમાં મુલાકાત કરીને ગામલોકોને એકઠા કરીને જોઈએ તેવી લોન આપવા બાબતે સમજાવીને લોન માટેના દસ્તાવેજો કરાવવા ઓફિસે બોલાવવામાં આવતા હતા.છેલ્લા બે ત્રણ મહિનાથી રોજેરોજ ટોળાબધ્ધ લોકો ઓફિસમાં આવીને લોન માટેના દસ્તાવેજો સહી કરીને એગ્રીમેન્ટ માટે જરૃરી રૃ.૧પ૦૦ થી રૃ.ર૦૦૦૦ ભરવા લાગ્યા હતા.શિવમ કન્સલટન્સીના નામે ઠગાઈનો કારોબાર લઈને બેઠેલા ઈસમોએ આવનાર જરૃરિયાતમંદ પાસે જેટલા રૃપીયા ભરવાની સગવડતા હોય તે પ્રમાણેની લોન સ્કીમ સમજાવીને રૃપીયા ઉઘરાવવા માંડયા હતા.એગ્રીમેન્ટ થયા પછી આશરે એક મહિના બાદ લોન આપવાની ખાત્રી આપવામાં આવતી હતી,જ્યારે ગૃપ લોન માટે દશ કે વીસના ગૃપ બનાવવાની ગોઠવણ કરવામાં આવી હતી,જેમાં ગૃપ બનાવનારને વ્યક્તિદીઠ ચોક્કસ કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી,જેને પગલે જે તે વિસ્તારના લોકો પોતાની સાથે સાથે નજીકના મિત્રો, ઓળખીતા, સગાસંબંધીઓને બધુ કાયદેસર હોવાનો વિશ્વાસ આપીને લોન માટે રૃપીયા ભરવા તૈયાર કરી દીધા હતા. ખેડા અને આણંદ જિલ્લાના મહત્તમ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ભણેલા અને અભણ તમામ લોકો લોન મેળવવાની આશાએ ઠગ ટોળકીની વાતો આવી જઈને એજન્ટ કે ગ્રાહક બનીને રૃપીયા આપવા લાગ્યા હતા.બે થી ત્રણ જ મહિનામાં આશરે દશ હજારથી વધુ ગ્રાહકો બનાવી તેમની પાસેથી એગ્રીમેન્ટ પેટે રકમ એકઠી કરી લઈને લોન આપવાની તારીખો નજીક આવતાં ઠગ ટોળકીએ શિવમ કન્સલટન્સીની ઓફિસને તાળા મારી દઈને છેલ્લા બે દિવસથી લોન માટે આવતા લોકોને અલગ અલગ જવાબો અને બહાના બતાવવાના શરૃ કરી દીધા હતા.લોકોની ઘોંસ વધી જતાં આખરે જે તે સાહેરની માતાનું અવસાન થયું હોવાનો કાગળ ઓફિસના શટર ઉપર ચોટાડી દઈને ભાગી છુટવાનો સમય મેળવવાની કોશિષ કરી હતી.પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણીને લોકોએ બે દિવસથી નડિયાદ શહેર પોલીસ સ્ટેશને પહોંચીને જાણ કરી હતી,પણ પોલીસ ફરિયાદ નોંધાયા પછી જ કાર્યવાહીના મુડમાં રહેતાં ઠગ ટોળકીના તમામ સભ્યો ફરાર થઈ ગયા હતા.જ્યારે ગઈકાલે દિવસભર છેતરપીંડીનો ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશને પહોંચી જતાં આખરે મોડી સાંજ બાદ પોલીસે એક માત્ર ખેડાના રહીશ હિતેશભાઈ ગોપાલભાઈ દરજી સાથે  રૃ.ર૦૦૦૦ની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધી હતી,જેમાં આરોપી તરીકે શિવમ કન્સલટન્સીના રાહુલભાઈ પટેલ અને કુમારભાઈ પટેલ નોંધવામાં આવ્યા હતા.પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાથી અનેક અસરગ્રસ્ત ગ્રાહકો અને એજન્ટો પોલીસ મથકે ફરિયાદ કરવા માટે ગયા હોવા છતાં પોલીસે એક જ ફરિયાદ લઈને તમામને ફરિયાદ લઈ લીધી હોવાના જવાબો આપ્યા હતા.શિવમ કન્સલટન્સી દ્વારા કરોડો રૃપીયાની છેતરપીંડી અનેક લોકો સાથે કરી હોવા છતાં માત્ર રૃ.ર૦૦૦૦ની છેતરપીંડીની ફરિયાદ લઈને પોલીસ શું સાબિત કરવા માગે છે,તે કોઈને ખબર પડતી નથી.આરોપીઓને ઝડપી પાડવાને બદલે પોલીસ હાથ ઉપર હાથ ધરીને બેસી રહી છે,ત્યારે શિવમ કન્સલટન્સી સાથે જોડાયેલી ઠગ ટોળકીના તમામ સભ્યો તાબડતોબ વિદેશ ભાગી છુટવાની વેતરણમા હોવાની અથવા તો ભાગી છુટયા હોવાની વાતો સંભળાઈ રહી છે.

શિવમ કન્સલટન્સીના એજન્ટ તરીકે કામગીરી કરનારા અનેક લોકોની હાલત કફોડી બની જવા પામી છે,કારણ કે પોતાના રૃપીયા તો ગયા જ સાથે સાથે તેઓએ બનાવેલા અન્ય કેટલાયે ગ્રાહકોના રૃપીયા પણ ખોવાનો વારો આવ્યો છે.હવે ગ્રાહકો માત્ર ને માત્ર એજન્ટો ઉપર તવાઈ કરી રહ્યા છે.આણંદ,તારાપુર,મહેમદાવાદ સહિત બંને જિલ્લાઓમાં એજન્ટ તરીકે કામગીરી કરનારાઓમાં કેટલાક લોકો પોતાના ઘેર જઈ શકતા જ નથી,કારણ કે ગ્રાહકો તેમના ઘેર ઉઘરાણી કરવા બેઠા છે,જ્યારે એજન્ટ તરીકે જોડાયેલી કેટલીક મહિલાઓને મોબાઈલ ઉપર ધમકીઓ મળી રહી છે,કે અમારા પૈસા આપી દો નહિ તો તમારા બાળકોને ઉઠાવી જઈશું.આમ એજન્ટોની હાલત કફોડી બની જવા પામી છે.એક બાજુ શિવમ કન્સલટન્સીની ઠગ ટોળકી રૃપીયા લઈને ફરાર થઈ ગઈ છે,અને બીજી બાજુ ગ્રાહકો પોતાના પૈસાની માગણી કરી રહ્યા છે.આમ સામાન્ય કમિશન અને લોનની લાલચમાં એજન્ટો ફસાઈ ગયા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.પોલીસ દ્વારા સત્વરે ઠગ ટોળકીને જબ્બે કરીને લોકોના પૈસા પરત કરાવવામાં નહિ આવે તો ગ્રાહકોના રોજના ત્રાસ અને ધમકીઓથી એજન્ટોને મરવાનો વારો આવે તેવી હાલત અત્યારે તો જોવા મળી રહી છે.ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા કરોડોની ઠગાઈ કરીને ખેડા તેમજ આણંદ જિલ્લાના જરૃરિયાતમંદ લોકોને ઠગી લેનારા ઠગોને ઝડપી પાડવામાં આવે તેવી આશા રાખીએ.

 ફરિયાદીની વાટ જોતી પોલીસના વાંકે ઠગ ટોળકી પલાયન

શિવમ કન્સલટન્સી દ્વારા કરોડો રૃપીયાની છેતરપીંડી કરીને લોનને બહાને લોકોને ચુનો લગાવ્યો હોવાની વાતો જગજાહેર બની ગઈ હોવા છતાં નડિયાદ શહેર પોલીસે આળસ દાખવીને ફરિયાદીની વાટ જોતાં ઠગ ટોળકીને સમય મળી ગયો હતો,અને તેઓ ફરાર થઈ ગયા હતા.પોલીસે માત્ર ને માત્ર ર૦હજાર રૃપીયાની છેતરપીંડીની એક જ ફરિયાદ નોંધતાં અન્ય ભોગ બનેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.કરોડોની છેતરપીંડી સામે માત્ર સામાન્ય રકમની ફરિયાદ થતાં પોલીસની કાર્યશૈલી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ લખાય છે ત્યાં સુધી નડિયાદ શહેર પોલીસે લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ઈસમોની શોધખોળ હાથ ધરી હોવાનું પણ જોવા મળતુ નથી,ત્યારે અમદાવાદના અશોક જાડેજાની જેમ ગરીબ લોકોના રૃપીયા ખંખેરી જનારા શિવમ કન્સલટન્સીની ઠગ ટોળકીને ઝડપી પાડવામાં આવશે કે કેમ તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

આરોપીઓના સાચા નામ અને ઓળખાણ બાબતે દ્રિધા નડિયાદ : નડિયાદ ખાતે શિવમ કન્સલટન્સીના નામે લોન આપવાને બહાને લોકો પાસેથી કરોડો રૃપીયાની ઉઘરાણી કરીને ફુલેકુ ફેરવનાર કન્સલટન્સી ચલાવનારાઓના સાચા નામ અને ઓળખ બાબતે ભારે દ્રિધા જોવા મળી રહી છે.પોલીસ ફરિયાદમાં રાહુલભાઈ પટેલ અને કુમારભાઈ પટેલના નામ લખવામાં આવ્યા છે,જ્યારે પી.જે.વ્યાસ નામના ઈસમનો પણ ઉલ્લેખ ભોગ બનનારાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે,પરંતુ આ ત્રૃણેય નામ સાચા છે કે ખોટા ? તેઓ ક્યાં રહે છે ? ક્યાંના વતની છે ? જેવી વાતો કોઈ ચોક્કસ રીતે જાણતુ નથી.આમ શિવમ કન્સલટન્સીની ઠગાઈમાં ભોગ બનેલા લોકો પણ તેઓના નામ સાચા છે કે કેમ તે બાબતે દ્રિધા અનુભવી રહ્યા છે.ખેડા જિલ્લા પોલીસ દ્વારા જે ૃતે દુકાન માલિક પાસેથી દુકાન ભાડે રાખનાર ઈસમ અંગેની જાણકારી અને ઓળખાણ પોલીસમથકે આપવામાં આવી હોય તેના આધારે જ પોલીસ ઠગ ટોળકી સુધી પહોંચી શકે તેમ છે,ત્યારે જોવું રહ્યું કે પોલીસ કંઈ થીયરી પ્રમાણે તપાસ ચલાવે છે.

ખેડા અને આણંદ જિલ્લાના અનેક લોકોએ પૈસા ગુમાવ્યા

નડિયાદ ખાતે શિવમ કન્સલટન્સીના નામે ગૃપ લોન સહિતની અન્ય લોન આપવાને બહાને કરોડો રૃપીયાની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.ખેડા તેમજ આણંદ જિલ્લાના અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધંધો રોજગાર ઝંખતા બેરોજગારોએ લોન મેળવવા માટે યેનકેન પ્રકારે પૈસાની ગોઠવણ કરી હતી.પરંતુ તેઓની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણતાં જ ધંધો રોજગાર મળવાને બદલે વધારાના દેવા તળે સપડાઈ ગયા હોવાનો અહેસાસ હાલમાં કરી રહ્યા છે.ખેડા જિલ્લાના મહેમદાવાદ, બાલાસિનોર, મહુધા,માતર,કઠલાલ તેમજ આણંદ,ખંભાત,તારાપુર,સોજિત્રા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક લોકો ઠગ ટોળકીનો ભોગ બન્યા છે,અને પોતાના સહિત સમગ્ર ગૃપના પૈસા ગુમાવ્યા હોવાનુ જાણવા મળેલ છે

ગ્રાહકોને શું જવાબ આપવો : સલમાબેન શેખ

નડિયાદ ખાતે શિવમ કન્સલટન્સી દ્વારા લોન આપવાને બહાને એગ્રીમેન્ટના નામે કરોડો રૃપીયાનું ફુલેકુ ફેરવ્યાના અહેવાલો અખબારોમાં વાંચીને પૈસા ભરનાર લોકો એજન્ટ તરીકે કામ કરનાર મહેમદાવાદના સલમાબેન જાફરભાઈ શેખે જણાવ્યું હતું કે ગ્રાહકો અમારી પાસે આવીને ફોર્મ તમે ભર્યા છે,એટલે તમારે પૈસા આપવા પડશે,તેમ કહીને પોતાના પૈસા માગી રહ્યા છે.અમે તમામ ગ્રાહકોના પૈસા શિવમ કન્સલટન્સીમાં ભરી દીધા છે,ત્યારે અમે પૈસા ક્યાંથી આપીએ અને ગ્રાહકોને શું જવાબ આપવો એ જ સમજાતુ નથી.અમારી હાલત કફોડી બની જવા પામી છે.

આજે ૧ર લાખ લેવા બોલાવ્યો હતો : પરેશ વેલદાર

નડિયાદ ખાતે શિવમ કન્સલટન્સીની ઠગાઈનો ભોગ બનેલા તારાપુરના ચાંગડાના રહીશ પરેશભાઈ હરિભાઈ વેલદારે જણાવ્યું હતું કે પોતાના ર૪ ફોર્મની ફી ભરી હતી,કુમારભાઈ પટેલ અને જે.પી.વ્યાસને રકમ આપી હતી.આજે ર૧ તારીખે રૃ.૧ર લાખની લોનની રકમનો ચેક લેવા માટે બોલાવ્યો હતો,પણ અખબારોમાં વાંચીને જ ખબર પડી ગઈ કે આપણી સાથે ઠગાઈ કરવામાં આવી છે.હવે મારે મારા ગૃપના અન્ય લોકોને સમજાવવા અઘરા થઈ ગયા છે,સાંજ સુધી ઘેર જવાય તેમ નથી,તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

ગ્રાહકો ફોન કરીને ધમકી આપી રહ્યા છે : રેહાનાબેન મણિયાર

આણંદ ખાતે ગાર્ડન સોસાયટીમાં રહેતા અને ખાનગી દુકાનમાં નોકરી કરતા રેહાનાબેન મણિયાર પણ નડિયાદની શિવમ કન્સલટન્સીમાં એજન્ટ તરીકે જોડાયા હતા.તેઓએ આણંદમાં ૧૦ અને તેઓના નણંદે માતર ખાતે ૧૮ ફોર્મ ભર્યા હતા.મજુરી કરીને ગુજરાન ચલાવતા લોકોએ લોન લઈને ધંધો કરવા માટે પૈસા ભર્યા હતા.રેહાનાબેને જણાવ્યું હતું કે એક બાબો અને એક બેબી હોવા છતાં ઘરના કામકાજ છોડીને અહીં આવતા હતા,આજે ફોર્મ ભરનારા તમામ લોકો ફોન ઉપર ધમકી આપે છે,અને કહે છે કે અમારા પૈસા આપો નહિ તો તમારા છોકરા ઉપાડી જઈશું,અને તમારી ઉપર કેસ કરીશું.હવે અમારી હાલત ખરાબ થઈ ગઈ છે.લોકોને કેવી રીતે સમજાવવું તે જ સમજાતુ નથી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: