આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Daily Archives: એપ્રિલ 28, 2011

ડાકોરની ધર્મશાળાના નોકરે નહાતી યુવતીઓના ફોટા પાડયા


નડિયાદ,તા.૨૭

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલી એક ધર્મશાળામાં મુંબઈથી આવેલા યાત્રીઓ રોકાયા હતા,ગઈકાલે યાત્રીઓના પરિવારની યુવતીઓ બાથરૃમમાં નહાતી હતી,ત્યારે ધર્મશાળાના નોકર દ્વારા મોબાઈલમાં ફોટા પાડયા હતા,આ વાતની જાણ થઈ જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

  • ધર્મશાળામાં હોબાળો છતાં ડાકોર પોલીસ અજાણ

ધર્મશાળાના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારે વાતને દબાવી દેવાના પ્રયાસમાં તાત્કાલિક ધોરણે નોકરને કાઢી મુક્યો હતો,અને યાત્રીઓની માફી માગીને પોલીસ ફરિયાદ નહિ કરવા વિનંતી કરી હતી.જો કે લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ સમયે પોલીસે ધર્મશાળાની મુલાકાત લીધી હતી,પણ કોઈ ફરિયાદ થઈ નથી,જ્યારે પોલીસ આ બાબતે અજાણ હોવાનું જણાવી રહી છે.યાત્રાધામની ધર્મશાળાઓમાં યાત્રીઓની અંગત વાતોમા દરમ્યાનગીરી કરીને અશ્લિલતા ફેલાવી રહેલા આવા તત્વોને કારણે ડાકોરની ગરિમાને નુકસાન પહોંચી રહ્યું છે,જ્યારે યાત્રીઓને પણ ડાકોરમાં રોકાવુ ભારે પડી રહ્યું હોવાની લાગણી જોવા મળી રહી છે.

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે દેશભરમાંથી શ્રધ્ધાળુ ભક્તો આવે છે.ડાકોરમાં આવતા કેટલાયે શ્રધ્ધાળુઓ રાત્રિ રોકાણ કરીને વહેલી સવારે મંગળા આરતીના દર્શનનો લાભ લેવાનું ચુકતા નથી.જેને કારણે ડાકોરની મોટાભાગની ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસોમાં યાત્રીઓની ભારે ભીડ રહે છે.

ડાકોરમાં બદનામ બની ગયેલી કેટલીક ધર્મશાળાઓ અને ગેસ્ટહાઉસોમાં ગેરકાયદેસર અને યાત્રાધામની ગરિમાને કલંકીત કરી રહેલા કૃત્યો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે,તેમ છતાં પોલીસની આંખ આડા કાન કરવાની નિતીને કારણે ર્ધામિક યાત્રીઓને ભારે શરમજનક હાલતમાં મુકાઈ જવું પડે છે.ગતરોજ કેટલાક યાત્રીઓ મુંબઈથી ડાકોરની યાત્રાએ આવ્યા હતા.આ યાત્રીઓમાં યુવતીઓ પણ હતી.ડાકોરના ગેસ્ટ હાઉસોમાં ચાલતા ગોરખધંધાઓને કારણે યાત્રીઓએ મંદિર રોડ ઉપરની એક ધર્મશાળામાં રોકાવું પસંદ કર્યું હતું.

ડાકોરની ધર્મશાળામાં રોકાયેલા યાત્રીઓ સ્નાન કરીને દર્શન કરવા માગતા હોવાથી એકપછી એક નહાવા જતા હતા.યાત્રામાં આવેલી યુવતીઓ બાથરૃમમાં નહાવા ગઈ હતી,આ દરમ્યાન કલાકોથી વાટ જોતો ધર્મશાળાનો નોકર તક શોધીને ચોક્કસ જગ્યાએથી બાથરૃમમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન કરી રહેલી યુવતીઓના ફોટા અને વિડીયો ઉતારવામાં મશગુલ બની ગયો હતો.ધર્મશાળાના નોકર દ્વારા મોબાઈલથી ફોટા તેમજ વીડીયો ઉતારવામાં આવી રહી હોવાની જાણ થતાં જ યુવતીઓએ બુમાબુમ કરી હતી,જેને પગલે નોકરને ઝડપી પાડીને યુવતીના પરિવારજનોએ પોલીસને જાણ કરવાની તૈયારી આરંભી હતી.પરંતુ ધર્મશાળાના સંચાલકે ચતુરાઈ વાપરીને નોકરને ફટકારીને તેની પાસેથી મોબાઈલ ઝુંટવી લીધો હતો,અને તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકીને ભાગી છુટવાનો મોકો આપ્યો હતો.નોકરની બદમાશીથી અકળાયેલા મુંબઈના યાત્રીઓ ગુસ્સે ભરાયેલા હતા અને પોલીસ ફરિયાદની વાતો કરતા હતા,જેથી ધર્મશાળાના સંચાલકે તેઓને ઠંડા પાડીને સમજાવ્યા હતા.જેને પગલે યાત્રીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.જો કે ભારે બુમાબુમ અને હોબાળાને કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ધર્મશાળામાં એકઠા થઈ ગયા હતા.ડાકોર પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી,પણ કોઈપણ જાતની ફરિયાદ દાખલ થઈ નથી.આ અંગે ડાકોરના પીએસઆઈ સોલંકીને પુછતાં તેઓએ આવો કોઈ બનાવ બન્યો નથી,તેમ જણાવ્યું હતું.

ડાકોરની ધર્મશાળામાં બહારગામથી ભગવાન રણછોડરાયના દર્શનાર્થે આવતી અને રોકાતી યુવતીઓના બાથરૃમ ફોટો અને વિડીયો ઉતારવામાં આવી રહી હોવાની વાતે સમગ્ર ડાકોરના ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓ શંકાના દાયરામાં આવી ગઈ છે.ડાકોરના કેટલાક ગેસ્ટ હાઉસો અને ધર્મશાળાઓ તો ઐયાશીના ઠેકાણા બની ગયા છે,ત્યારે ડાકોર પોલીસ દ્વારા યાત્રાધામ ડાકોરની ગરિમાને કલંકિત કરતા આવા તત્વોને નેસ્તનાબુદ કરવા પ્રયત્નો કરવા જોઈએ તેવી માંગ સમગ્ર ડાકોરના રહીશો અને યાત્રીઓમાં ઉઠી રહી છે.

Advertisements
%d bloggers like this: