આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Daily Archives: મે 1, 2011

ઠાસરાના શિક્ષકે સભ્યતા ગુમાવીને વિધવા સાથે બિભત્સ વર્તન કર્યું..!!


નડિયાદ, તા.ર૯
તાલુકામથક ઠાસરા ખાતે એક પ્રાથમિક શિક્ષકે પોતાની સભ્યતા ગુમાવીને બાજુમાં રહેલી વિધવા શિક્ષક પત્ની સાથે બિભત્સ વાણી વિલાસ કરતાં હાજર તમામ રહીશોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.તાલુકાની એક પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવા છતાં શિક્ષક તરીકેની સભ્યતા ભુલી ગયા હોવાની વાતે સમગ્ર તાલુકામાં તેઓ સામે ભારે ફીટકારની લાગણી જોવા મળી રહી છે.બેફામ બનેલા શિક્ષકના રોજેરોજના વાણી વિલાસથી કંટાળીને વિધવાએ પોલીસનો આશરો લેતાં આખરે શિક્ષક અને તેમની પત્નીની શાન ઠેકાણે આવી જવા પામી હતી.
ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને શિક્ષિકાઓને માથે શાળાના બાળકોને સારામાં સારું શિક્ષણ આપવાની અઘરી જવાબદારી છે,ત્યારે કેટલાક શિક્ષકો અને શિક્ષિકાઓના વર્તન અને વાણી વિલાસને જોઈને તેઓ બાળકોમાં કેવું શિક્ષણ અને સંસ્કાર સિંચતા હશે,તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.સામાન્ય બાબતોમાં બેફામ બની જતા શિક્ષકો અને શિક્ષિકાઓને સાંભળતા જોઈને નાના ટાબરીયાઓ પણ નોનવેજ ભાષા બોલતા થઈ ગયા છે.આવા સભ્યતા વિહોણા એક શિક્ષક તાલુકામથક ઠાસરાની એક સોસાયટીમાં રહે છે અને પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે,જ્યારે તેમના પત્ની પણ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.છેલ્લા કેટલાક સમયથી આ શિક્ષક અને તેમની બાજુમાં રહેતા વિધવા શિક્ષક પત્ની સાથે રોજેરોજ કંકાસ થતા હતા.ગતરોજ ઈલેક્ટ્રીક ટયુબલાઈટ ફિટીંગનું કામ કરાવી રહેલા શિક્ષકે વિધવાઓના કારણે અંધારા થઈ ગયા તેમ બાજુમાં રહેતા વિધા શિક્ષક પત્નીને સંભળાવીને કહેતાં શિક્ષક પત્ની વિધવાએ તેમ ન બોલવા કહેતાં આ શિક્ષકે વિધવા સામે બેફામ વાણીવિલાસ કરવાની સાથે શિક્ષક તરીકેની સભ્યતા ગુમાવી દીધી હતી.પોતાના પતિ એક વિધવા સાથે ખોટી ભાષામાં બિભત્સ ગાળો બોલી રહ્યા હોવાથી તેઓને ચુપ કરાવવાને બદલે શિક્ષક પત્ની પણ બિભત્સ ભાષામાં જોતરાઈ જતાં થોડાક સમય માટે સોસાયટીના અન્ય રહીશોને પોતાના કાન બંધ કરી દેવા પડે તેવી હાલત થઈ જવા પામી હતી.ગુસ્સે ભરાયેલા શિક્ષકનો વાણીવિલાસ કલાકો સુધી બંધ ન થતાં આખરે વિધવા તેના પુત્ર સાથે ઠાસરા પોલીસમથકે ફરિયાદ કરવા પહોંચી ગઈ હતી.જેને પગલે ઠાસરા પીએસઆઈ રાવે અસભ્ય વર્તન કરનાર શિક્ષક અને તેની પત્નીને પોલીસમથકમાં પકડી લાવી કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી,પરંતુ સભ્યતા ગુમાવી દેનાર શિક્ષક તાલુકાના શિક્ષકોમાં આગેવાની ધરાવતા શિક્ષકોના નજીકમાં હોવાથી આગેવાનોએ દરમ્યાનગીરી કરીને મામલો થાળે પાડી દેવાની કોશિષ કરી હતી,અને વિધવા શિક્ષક પત્નીને સમજાવીને કોઈપણ પ્રકારની ફરિયાદ આપવાને બદલે સમાધાન કરવા મનાવી લીધા હતા.તેમ છતાં ઠાસરા પીએસઆઈએ સભ્યતા ગુમાવનાર મુખ્ય શિક્ષક પાસે માફી પત્ર લખાવીને ફરીથી આવા કૃત્ય નહિ કરવાની કડક સુચના આપી હતી.આમ ઠાસરા તાલુકાના એક પ્રાથમિક શિક્ષકે સભ્યતા ગુમાવી હોવાની વાત સમગ્ર તાલુકામાં પ્રસરી જતાં મોટાભાગના શિક્ષકોમાં ભારે રોષની લાગણી જોવા મળતી હતી.

Advertisements

ર્સ્વિણમની ઉજવણીના જશ્નમાં ગુજરાતના સ્થાપક વિસરાયા !


નડિયાદ, તા. ૩૦
ગુજરાત રાજ્યની સ્થાપનાને પ૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં તેની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ર્સ્વિણમ ઉજવણીની પૂર્ણાહુતિ પ્રસંગે રંગારંગ કાર્યક્રમોનું પણ મોટા પાયે આયોજન કરી રાજ્યભરના તમામ જિલ્લાઓ તેમજ તાલુકા કક્ષાએ આવેલ સરકારી કચેરીઓ તેમજ મહત્વના સ્થળોને રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યની જેઓએ સ્થાપના કરી હતી તે પૂ. રવિશંકર મહારાજને જ સહુ કોઈ વિસરી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે.
સરસવણી ગામમાં આવેલ સ્મૃતિ મંદિરમાં ર્સ્વિણમ ઉજવણીએ અંધકાર
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલ સરસવણી ગામ કે જે પૂ. રવિશંકર મહારાજનું વતન છે ત્યાં તેમની યાદમાં બનાવવામાં આવેલ સ્મુતિ મંદિર ખાતે ર્સ્વિણમ ઉજવણી નિમિત્તે રોશની કરવાનું સરકારી બાબુઓ વિસરી ગયા છે. ગુજરાત રાજ્યની સ્થાપના દિનની ઉજવણીમાં સ્થાપકને જ ભૂલી જવાય તે વાત આશ્ચર્ય ઉપજાવનારી છે.
ગુજરાત રાજ્યની સ્થાપના આજથી પ૦ વર્ષ અગાઉ ૧ લી મે ના રોજ પૂ.રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવી ર્સ્વિણમની હતી. મૂળ મહેમદાવાદ તાલુકાના સરસવણીના વતની રવિશંકર મહારાજનો જન્મ મહાશિવરાત્રીના દિવસે માતર તાલુકાના રઢુ ગામ ખાતે તેમના મોસાળમાં થયો હતો. નાનપણથી જ અલગ વ્યક્તિત્વ ધરાવતા પૂ. રવિશંકર મહારાજ ગુજરાતના લડવૈયા અને સ્થાપક હતા.
૧ લી મે ના રોજ તેઓએ સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના કરી હતી. આજે રાજ્ય દરેક ક્ષેત્રે હરણ ફાળ ભરી રહ્યું છે. ચોતરફ ર્સ્વિણમ ગુજરાતની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ વિશિષ્ટ કાર્યક્રમો યોજી ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે અને ર્સ્વિણમ ગુજરાતની પૂર્ણાહુતિ નિમિત્તે રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આવેલ તમામ સરકારી કચેરીઓ તેમજ મહત્વના સ્થળોને રોશનીથી ઝગમગાવી મૂકવામાં આવ્યા છે. સહુ કોઈ ઉજવણીમાં વ્યસ્ત છે પરંતુ સ્થાપના દિનની ઉજવણીમાં સહુ કોઈ સ્થાપકને ભૂલી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. પૂ. રવિશંકર મહારાજની યાદમાં મહેમદાવાદ તાલુકાના સરસવણી ખાતે બનાવવામાં આવેલ સ્મૃતિ મંદિર રોશનીના ઝળહળાટથી વંચિત રહે જવા પામ્યું છે. તાજેતરમાં જ આણંદ ખાતે યોજવામાં આવેલી રક્ષા શક્તિના કાર્યક્રમ દરમ્યાન કાઢવામાં આવેલી અસ્મિતા રેલીને આજ ગામમાંથી લીલી ઝંડી આપવામાં આવી હતી. તેમ છતાં સહુ કોઈ આ સ્થાપકને વિસરી ગયા હતા.
આ ઉપરાંત સરસવણી ગામના માજી સરપંચ ગિરીશભાઈ જોષીના જણાવ્યાનુસાર ર૦ વર્ષ અગાઉ મહેમદાવાદ તાલુકા પંચાયત દ્વારા મહેમદાવાદ ખાતે આવેલ ખાત્રજ સર્કલે પૂ. રવિશંકર મહારાજની પ્રતિમાની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે માટે જે તે સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, જે તે વખતના ધારાસભ્ય તેમજ તાલુકાના ગામના સરપંચોેની હાજરીમાં યોજાયેલ સંયુક્ત કારોબારી સભામાં સર્વાનુમતે પ્રતિમા પ્રસ્થાપિત કરવા અંગે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. જે મુજબ જે તે સમયે જ રૃ. ૩.પ૦ લાખના ખર્ચે પૂ. રવિશંકર મહારાજની અંદાજિત ૬ ફૂટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવી હતી. જે આજે વર્ષો બાદ સ્થાપનાની રાહ જોતી ધૂળ ખાતે હાલતમાં સરસવણી ખાતે જ રહી ગઈ છે. આ ઉપરાંત ગામમાં સ્થાપિત કરવામાં આવેલી પૂ. રવિશંકર મહારાજની પ્રતિમા પણ તંત્રની બેદરકારીનો ભોગ બની છે. નિયમિત સફાઈ પરત્વે બેદરકારી ઉપરાંત આ પ્રતિમાની આસપાસ બનાવવામાં આવેલ ફેંસિંગ પણ જર્જરિત હાલતમાં ફેલાઈ જવા પામી છે. જ્યારે પ્રવેશદ્વારનું નામોનિશાન નથી.
ત્યારે ર્સ્વિણમ ઉજવણીમાં વ્યસ્ત સરકાર તેમજ સરકારી બાબુઓ દ્વારા સ્થાપક પરત્વે દાખવવામાં આવેલી બેદરકારી આશ્ચર્ય ઉપજાવનારી છે. તેઓના માદરે વતન સરસવણી ખાતેના નિવાસસ્થાન તેમજ સ્મૃતિ મંદિરની પણ સ્થાનિક તંત્ર દ્વારા ઘોર ઉપેક્ષા દાખવવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. ર્સ્વિણમ ગુજરાતની ઉજવણીમાં સ્થાપક જ વિસરાઈ જતાં અનેક લોકોની લાગણી દુભાઈ જવા પામી છે.
તંત્ર દ્વારા પ્રતિમાની સ્થાપના માટે ફાળવવામાં આવેલ જગ્યાથી સ્થાનિકો અસંતુષ્ટ
મહેમદાવાદ ખાતે આવેલ ખાત્રજ સર્કલ ઉપર ગુજરાત રાજ્યના સ્થાપક પૂ. રવિશંકર મહારાજની પ્રતિમા પ્રસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે ૩.પ૦ લાખના ખર્ચે અંદાજિત ૬ ફૂટ જેટલી ઉંચી પૂ. રવિશંકર મહારાજની પ્રતિમા પણ તૈયાર કરી દેવામાં આવી હતી. જોકે આ મામલે સરસવણી ગામના માજી સરપંચના જણાવ્યાનુસાર સમગ્ર મામલો અટવાઈ પડતા અને તંત્ર દ્વારા સર્કલની જગ્યાએ અન્ય સ્થળ ઉપર પ્રતિમા પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવતાં સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી જવા પામી હતી. આજે પણ પૂ.રવિશંકર મહારાજની આ પ્રતિમા સ્થાપિત થયા વગર ધૂળ ખાતી હાલતમાં સરસવણી ગામ ખાતે ગ્રામજનો દ્વારા સાચવવામાં આવી રહી છે.

ઠાસરામાં સરદાર આવાસમાં વ્યાપક ગોટાળા


નડિયાદ, તા.૨૯
ઠાસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બી.પી.એલ.લાભાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર તમામ લાભોમાં સરકારી અધિકારીઓની ટકાવારી અને ભાગીદારીને કારણે સાચા લાભાર્થી સુધી સરકારે આપેલી રકમ પુરેપુરી પહોંચી શકતી નથી.ખેડા જિલ્લા ગ્રામ વિકાસ અજન્સી દ્વારા વર્ષ ર૦૦૯-૧૦ દરમ્યાન નડિયાદ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ગરીબી રેખાના લાભાર્થીઓને મફત ઘરથાળનો પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.લાભાર્થીઓને સનદ્ તથા હુકમ મળ્યા બાદ જિલ્લા પંચાયત આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે રૃ.પ૦,પ૦૦/- ની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી,જેમાં ૪૩,પ૦૦/-રૃ. નિયત કરેલા હપ્તા મુજબ અને રૃ.૭૦૦૦/- લાભાર્થી દ્વારા શ્રમફાળા તરીકે ગણવામાં આવે છે.આમ ઉપરોક્ત યોજના અન્વયે મંજુર થયેલા આવાસ બનાવવાની કામગીરી શરૃ કરવા છતાં ઠાસરા તાલુકાના આગરવા ગામ ખાતે ૩ર જેટલા લાભાર્થીઓને પ્રથમ હપ્તાની ચુકવણીમાં પ૦૦ રૃ. કાપી લેવાયા હોવાનું તેમજ રૃ.૧૬૦૦૦નો આખેઆખો હપ્તો ડુલ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.આ બાબતે ઠાસરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરવા છતાં આજસુધી જવાબદાર તલાટી કે સરપંચ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી
કરવાનું ટાળીને તાલુકા વિકાસ અધિકારી પણ શંકાસ્પદ ભુમિકામાં હોય તેવી છાપ ઉપસી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર ઠાસરા તાલુકાના આગરવા ગામમાં ૩ર બીપીએલ લાભાર્થીઓને મફતમાં પ્લોટ અને આવાસની ફાળવણી કરી હતી.આવાસ બનાવવા માટે ચુકવવા પાત્ર રૃ.૪૩,પ૦૦ની રકમ જેમ જેમ મકાનની કામગીરી પુર્ણ થાય તેમ ચુકવવાની હોય છે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વર્ષ ર૦૦૯-૧૦માં નડિયાદ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં મફત પ્લોટ અને હુકમની સનદ્ આપી હતી.જેને આધારે તાલુકા પંચાયત દ્વારા તા.૧૦-ર-ર૦૧૦ના રોજ આવાસ/વશી/૩૯૬/પર૭ અન્વયે પરમાર લાલાભાઈ નટુભાઈને મકાન બાંધવાની મંજુરી આપીને આવાસની રકમ મંજુર કરી હતી.લાભાર્થીએ મકાન બનાવવાની શરૃઆત કર્યા બાદ પ્રથમ તબક્કાના પ૦૦૦ રૃ. પેટેની રકમમાંથી રૃ.૪પ૦૦ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રોકડેથી ચુકવવામાં આવ્યા હતા.આવાસ યોજનામાં સરકાર દ્વારા મળવાપાત્ર રકમ જે તે લાભાર્થીના નામના ચેકથી જ ચુકવાતી હોવા છતાં રોકડેથી ચુકવાઈ હતી.આવી જ રીતે આગરવાના તમામ લાભાર્થીઓને રોકડેથી રકમ ચુકવવામાં આવી હતી,જેમાંથી દરેક લાભાર્થીદીઠ રૃ.પ૦૦ એટલે કે ૧૬,૦૦૦ રૃ.ની રકમ ચાઉં કરી દેવામાં આવી હતી.ત્યારબાદ લાભાર્થીઓએ મકાનનું કામ આગળ ધપાવતાં બીજા હપ્તાની રકમ પેટે રૃ.૧૬,૦૦૦ મળવાપાત્ર હતી,પણ આ રકમ કોઈપણ કારણસર લાભાર્થીઓને મળી નહોતી.ત્યારબાદ લાભાર્થીને ત્રીજા હપ્તા પેટેની રૃ.૧૪૦૦૦ની રકમ ચુકવવામાં આવી હતી,જ્યારે હજી સુધી છેલ્લા હપ્તા પેટેની રૃ.૮,પ૦૦ની રકમ હજી સુધી ચુકવવામાં આવી નથી.આ અંગે છેલ્લા એક વર્ષથી ઠાસરા તાલુકા પંચાયત અને આગરવા તલાટી તેમજ સરપંચ દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓને પજવવામાં આવી રહ્યા હોવાથી તંગ આવી ગયેલા લાભાર્થીઓએ આજે પોતાના આવાસની આશા ઉપર પુર્ણ વિરામ મુકી દીધુ છે.આ અંગે સરકારી ભ્રષ્ટ અધિકારીઓ અને ચુંટાયેલા લોક પ્રતિનીધિઓનો ભોગ બનેલા લાલાભાઈ નટુભાઈ પરમારે જણાવ્યું હતું કે હું અને મારો ભાઈ ખેત મજુરી કરીને અમારી વિધવા માતા સહિત ૭ વ્યક્તિઓના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ.ગરીબ હોવાને કારણે સરકારે અમને પ્લોટ અને ઘર બનાવવા રકમ ફાળવી પણ ભ્રષ્ટ તલાટી અને સરપંચ દ્વારા આ રકમ વચ્ચેથી જ ચાઉં કરી દેવામાં આવી.આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરવા છતાં ઉપર સુધી ભળી ગયેલા અધિકારીઓના બહેરા કાને વાત પહોંચી શકી નહોતી. પોતે માત્ર ૩ ધોરણ પાસ હોવાથી વધુ કોઈ જાણકારી કે જ્ઞાન ધરાવતા ન હોવાથી તેમની અજ્ઞાનતાનો સરકારી અધિકારીઓ દ્વારા ભારે ફાયદો ઉઠાવવામાં આવતો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
આ અંગે સંદેશ દ્વારા ઠાસરા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે આગરવામાં મંજુર થયેલા તમામ આવાસોનો એગ્રીમેન્ટ આગરવા પંચાયત દ્વારા કરવામાં આવ્યો હોવાનું અને તેથી જ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર રકમની ચુકવણી ગ્રામ પંચાયતને કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું,જ્યારે તાલુકા પંચાયત કચેરી દ્વારા જ જે તે લાભાર્થીને જાતે જ હુકમ આપ્યો છે,ત્યારે એગ્રીમેન્ટ ક્યાંથી આુવ્યો તે પ્રશ્ન થઈ પડયો છે.આ ઉપરાંત તાલુકા પંચાયત દ્વારા લાભાર્થીઓના આવાસો તા.૩૧-૩-ર૦૧૦ સુધીમાં પુર્ણ કરી દેવાની તાકિદ હુકમમાં જ કરવામાં આવી હોવા છતાં આજે એક વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાં અધુરા આવાસો બાબતે પણ તેઓએ કોઈ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ નથી.લાભાર્થીઓએ કરેલી લેખિત રજુઆતને પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જવાબદાર તલાટી કમ તંત્રી કે સરપંચ સામે કોઈપણ પ્રકારના શિક્ષાત્મક પગલાં નહિ ભરવાને કારણે લાભાર્થીને પોતાની સાથે અન્યાય થયાની લાગણી થવા પામી છે. જ્યારે તાલુકાભરમાં આગરવાના લાભાર્થીઓના મંજુર થયેલા સરદાર આવાસમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમરાણો ઉઠી હોવા છતાં તાલુકાની નેતાગીરી દ્વારા પણ શંકાસ્પદ ચૂપકિદી દાખવવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે.
યોજનામાં ભ્રષ્ટાચાર છતાં અધિકારીઓ ચૂપ
ખેડા જિલ્લા પંચાયત સરદાર આવાસ વિભાગ દ્વારા સરકારના ધારાધોરણ મુજબ બીપીએલ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવતી હોવા છતાં તાલુકા કક્ષાએ આવાસ યોજનાની જવાબદારી સંભાળતા અધિકારી અને જે તે પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા લાભાર્થીને મળવાપાત્ર આવાસના બદલામાં નાણાકીય લાભ ખાટવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો જિલ્લાભરમાં ઉઠતી રહી છે.ઠાસરા તાલુકાના આગરવા સહિતના ગામડાઓમાં પણ આવાસ યોજનામાં જવાબદાર અધિકારીઓ દ્વારા કટકી કરવામાં આવી છે,તેમ છતાં કોઈપણ કારણસર ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા ભ્રષ્ટ જવાબદાર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પ્રત્યે કુણી લાગણી દાખવીને તેઓને આડકતરી રીતે ભ્રષ્ટાચાર માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોય તેવી હાલત જોવા મળી રહી છે.
લાભાર્થીની વિધવા મા શું કહે છે ?
ઠાસરા તાલુકાના આગરવા તાબેના કનેરીપુરામાં રહેતા અને ખેતમજુરી કરતા લાલાભાઈ નટુભાઈ પરમારને સરકાર દ્વારા મફતમાં પ્લોટ અને આવાસ યોજનાની મંજુરી આપવામાં આવી હોવા છતાં તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને તલાટી-સરપંચની મિલીભગતને કારણે મુદત પુર્ણ થયે એક વર્ષથી વધુ સમય વિતી જવા છતાં આજસુધી આવાસનું કામ પુર્ણ થઈ શક્યુ નથી.આ અંગે ખેતમુજર લાલાભાઈ પરમારની વિધવા માતાએ સંદેશને જણાવ્યું હતું કે મારો પુત્ર માત્ર ધો.૩ પાસ છે,તેને સરકારી કાગળીયામાં ઓછી સમજણ પડે છે,તેથી તાલુકા અને ગ્રામ પંચાયતના સાહેબો મારા પુત્રને આડાઅવળા જવાબો આપીને ગાંઠતા નથી.આવાસ માટે મળવાપાત્ર રકમમાંથી ૧૬૦૦૦ રૃ.ની રકમ હજી સુધી મળી નથી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓને ભગવાન વહાલા હોય તો સરકારે અમને ફાળવેલા પૈસા આપે નહિ તો તેઓ વાપરે,અમે ગરીબ બીજું કરી પણ શું શકીશું ? આમ ગ્રામ્ય વિસ્તારના કાયદાકીય અજ્ઞાન લાભાર્થીઓ પાસેથી કટકી કરી રહેલા સરકારી બાબુઓની પોલ બહાર આવી હતી.

વાંઘરોલી ગામની સીમમાંથી કતલખાનું ઝડપાયું


નડિયાદ, તા.ર૯
ઠાસરા તાલુકાના કેટલાક ગામડાઓના સીમ વિસ્તારોમાં વર્ષોથી નિર્દોષ પશુઓની કતલેઆમ કરતા કતલખાના ચાલી રહ્યા છે,આ વાતની જાણકારી ઠાસરા પીએસઆઈને થતાં તેઓએ છેલ્લા કેટલાક દિવસથી કતલખાનું શોધી કાઢવા માટે પોતાના માણસો કામે લગાડી દીધા હતા.અગાઉ પણ પોલીસે કતલખાનું ઝડપી પાડવા ભારે કમર કસી હતી,તેમ છતાં તેઓને સફળતા મળી નહોતી,જ્યારે ગઈકાલે રાત્રે બાતમી મળતાં જ ઠાસરા પોલીસ વાંઘરોલી ગામના સીમ વિસ્તારમાં શેઢી નદીના કોતરોમાં ભારે જોખમી કહી શકાય તેવા ઓપરેશનમાં લાગી ગઈ હતી,અને ગણતરીના કલાકોમાં જ નિર્દોષ ગાયોની અને ગૌ વંશની કતલેઆમ કરવામાં આવતી હતી,તે સ્થળે પહોંચી જઈને ત્રણ બળદોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. જો કે તે અગાઉ પાંચ ગૌ વંશોની નિર્દયી રીતે કતલેઆમ કરીને તેમના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા હતા.અચાનક આવેલી પોલીસ સાથે કતલખાના ચલાવનારા ઈસમોએ પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી,પરંતુ પુરી તૈયારી સાથે પહોંચી ગયેલા પોલીસ કાફલાએ હિંમતભેર સામનો કરીને એક ઈસમને ઝડપી પાડયો હતો,જ્યારે અન્ય બે ઈસમો અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા.
ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નિર્દોષ પશુઓની રોજેરોજ કતલેઆમ કરીને તેમનું માંસ,હાડકા અમદાવાદ તેમજ વડોદરા જેવા શહેરોમાં વહન કરવામાં આવી રહ્યા હોવાની વાતો જગજાહેર છે.ખેડા જિલ્લાના ઠાસરા, બાલાસિનોર, કપડવંજ, કઠલાલ તેમજ મહુધા જેવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોજેરોજ નિર્દોષ પશુઓની કત્લેઆમ કરવામાં આવી રહી છે.
ઠાસરા તાલુકામાં પણ કેટલાક ગામોના સીમ વિસ્તારોમાં સ્થાનિક ઈસમો દ્વારા જ કતલખાના ચલાવવામાં આવી રહ્યા છે. ભુતકાળમાં પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કતલખાના ઝડપી પાડવામાં આવ્યા હતા. કતલખાનામાં હિંદુઓ માટે પુજનીય એવી ગાયો ઉપરાંત ગૌ વંશ એવા બળદ,વાછરડા સહિતના પશુઓની રોજેરોજ નિર્દયી રીતે કત્લેઆમ કરવામાં આવે છે.ડાકોર તેમજ કઠલાલ સહિતના ઠેકાણે ભરાતી ગુર્જરીમાં બળદોની ખરીદી કરીને આવા બળદોને કતલખાને પહોંચાડવામાં આવતા હોવાની વાતો અનેકોવાર બહાર આવી છે. જો કે આજે વહેલી સવારે ઠાસરા તાલુકાના વાંઘરોલી ખાતે ઝડપાયેલા કતલખાનાને પગલે અલગ જ મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે.
યાત્રાધામ ડાકોરમાં મંગળવારના રોજ અને કઠલાલમાં ગુરૃવાર અને શુક્રવારના રોજ ગુર્જરી ભરાય છે,જેમાં વાંઘરોલી ખેડૂદો દ્વારા બળદ કે વાછરડાની લે વેચ કરવામાં આવે છે.આ ગુર્જરીમાં અમદાવાદના કેટલાક ઈસમો કતલ કરવાના ઈરાદે ખેડૂત બનીને બળદ કે વાછરડાની ખરીદી કરવા આવે છે,અને વધુ વય ધરાવતા બળદ તેમજ સસ્તા ભાવે મળતા બળદ કે વાછરડાની ખરીદી કરી લેતા હોય છે, અને આ તમામ પશુઓને ખેડૂતના સ્વાંગમાં કતલખાના સુધી પહોંચાડીને તેમની નિર્દયી રીતે હત્યા કરી નાખતા હોય છે.
ડાકોર કે કઠલાલની ગુર્જરી માટે બળદ કે વાછરડાની ખરીદી કરવા અને ગુર્જરીમાંથી ખરીદાયેલા બળદ ચોક્કસ ગામ કે સીમ સુધી પહોંચાડવાની જવાબદારી સ્થાનિક ઈસમોને સોંપવામાં આવે છે.આવા સ્થાનિક ઈસમો બળદ કે વાછરડાને ખેતી માટે ખરીદીને લઈ જતા હોય છે.રસ્તામાં કોઈપણ જીવદયા પ્રેમી કે પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવે તો ખેતી માટે લઈ જતા હોવાનું અને પોતે ખેડૂત હોવાના પુરાવા આપીને ગુર્જરીમાંથી ખરીદીને લાવ્યા હોવાના પુરાવા રજુ કરી દતા હોય છે.જેના કારણે પોલીસ કે જીવદયા પ્રેમીઓ કંઈ કરી શકતા નથી.આવી રીતે લઈ ગયેલા બળદ કે વાછરડાઓને દરવખતે અલગ અલગ સ્થળની પસંદગી કરેલા નક્કી સ્થળે બાંધી દેવામાં આવે છે.
બીજા દિવસે અમદાવાદથી ત્રણ થી વધુ ઈસમો ટેમ્પો કે અન્ય કોઈ વાહન લઈને જે તે સ્થળે પહોંચી જાય છે,અને સ્થાનિક લોકોની મદદ લઈને રાત્રિના સમયે બળદ કે વાછરડાઓને નિર્જન ખેતરો કે નદીના કોતરોમાં લઈ જઈને કુહાડાના ઝાટકાથી પશુઓની ગરદન કાપી નાખ્યા બાદ તેમના નાના નાના ટુકડા કરી નાખતા હોય છે.આવી જ રીતે ગઈકાલે રાત્રે એકઠા થઈને વાંઘરોલી સીમમાં શેઢી નદીના કિનારે આવેલા ખેતરમાં ૮ બળદને કાપી નાખવાના ઈરાદા સાથે અમદાવાદના ત્રણ અને એક સ્થાનિક એમ કરીને કુલ ચાર ઈસમો પહોંચી ગયા હતા.
છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણકારીના આધારે ઠાસરા પીએસઆઈ ડી.એન.રાવ છુપી નજર રાખી રહ્યા હતા,તેઓને બાતમી મળતાં જ તેઓ પોતાના સ્ટાફ સાથે બાતમી મળેલીસ જગ્યાએ રાત્રિના સુમસામ અંધારામાં નદીના કોતરો ખેડીને ત્યાં પહોંચી ગયા હતા,પરંતુ આ સમયે જ મોબાઈલ ઉપર ફોન આવતાં લાઈટ થઈ જતાં બળદની કતલેઆમ કરી રહેલા ઈસમો ચોંકી ગયા હતા,અને કોઈ આવી રહ્યું હોવાનું જાણીને તેઓએ બુમો પાડીને પાછા જતા રહો નહિ તો મારી નાખીશું,તેમ કહેવા લાગ્યા હતા.
સુમસામ ખેતરોમાં વહેલી સવારના અંધારામાં પોલીસે સહેજપણ ડર રાખ્યા વિના આગળ વધતાં પોલીસ આવી ગઈ હોવાનું માનીને ચારેય ઈસમો ભાગી છુટયા હતા,જો કે ટેમ્પો લઈને ભાગવાની કોશિષ કરતો ટેમ્પો ડ્રાઈવર અસમતખાન રહીમખાન પઠાણ (રહે.રખિયાલ,અમદાવાદ) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો,જ્યારે અન્ય ત્રણ ઈસમો ભાગી છુટયા હતા.સ્થળ ઉપર જોતાં કઠણ કાળજાની મનાતી પોલીસ પણ દંગ રહી ગઈ હતી,કારણકે આઠમાંથી પાંચ બળદને નિર્દયી રીતે કાપીને તેમના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા.કાપી નાખવામાં આવેલા બળદની ગરદનને જોઈને પીએસઆઈ રાવે જણાવ્યું હતું કે એક બળદની કપાયેલી ગરદનને જોતાં તેની આંખમાંથી આસુ ટપક્યા હોવાનું સાફ જોઈ શકાતુ હતું.
આમ પોલીસ પણ આ દ્રશ્યો જોઈને કંપી ગઈ હતી.પોલીસે ટેમ્પો નં.જીજે૧ બીઆય.૬રર૮ સહિત તમામ મુદ્દામાલ તેમજ બચી ગયેલા ત્રણ જીવતા બળદને પોતાના કબજામાં લઈને ઝડપાઈ ગયેલા ઈસમની અટક કરીને તેના સહિત અન્ય ત્રણ ઈસમો વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ઝડપાઈ ગયેલા ઈસમે વર્ણવેલી વાતો ઉપરથી નિર્દોષ પશુઓની કતલેઆમ કરી રહેલા તત્વોની મોડેસ ઓપરેન્ડી બહાર આવી હતી.અગાઉ ચોક્કસ જગ્યાએ ચાલતા કતલખાના પોલીસની નજરમાં આવી જતા હોવાથી હવે આ કસાઈઓ કતલખાનાની ચોક્કસ જગ્યા રાખવાને બદલે અલગ અલગ જગ્યાએ કોઈના પણ ખેતરોમાં રાત્રિના સમયે કત્લેઆમ ચલાવતા હોવાની વાતો બહાર આવી રહી છે.ત્યારે હવે ખેતરોના માલિકોએ પણ રાત્રિના સમયે પોતાના ખેતરોમાં અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલી હિલચાલ અંગે પોલીસને જાણ કરવી હિતાવહ બની ગઈ છે.
આ અગે ઠાસરા પીએસઆઈ રાવને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે આઠમાંથી પાંચ બળદની કતલ કરનારાઓમાં એક ઈસમ ઝડપાઈ ગયો હોવાથી હવે અન્ય તમામ ઈસમોને ઝડપી પાડવામાં આવશે.અમદાવાદના ઈસમોની સાથે સ્થાનિક ઈસમોની સંડોવણી હોવાની વાતને પોલીસે પણ સમર્થન આપ્યું હતું.ત્યારે ખેડા જીલ્લાના ગામડાના ખેતરોમાં નિર્દોષ પશુઓની કતલેઆમ કરીને હાડ,માંસ,ચામડા અમદાવાદ વહન કરનારા ઈસમો સામે પોલીસની સખ્તાઈ જરૃરી થઈ પડી છે,જ્યારે ખેડા જીલ્લાના જીવદયા પ્રેમીઓએ પણ આ બાબતે પોતાની કામગીરી સ્પષ્ટ કરવી જોઈએ,તેમ જણાઈ રહ્યું છે.

%d bloggers like this: