આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Category Archives: નડિયાદ

ભ્રષ્ટાચારના વિરોધમાં સમગ્ર ખેડા જિલ્લામાં ક્રાંતિના મંડાણ


નડિયાદ,તા.ર૪
ભ્રષ્ટાચાર સામે આંદોલન છેડીને જન લોકપાલ બિલને સંસદમાં પાસ કરાવીને કાયદો બનાવવાની માંગણી સાથે કેન્દ્ર સરકાર સામે અનશન ઉપર બેઠેલા સમાજસેવક અણ્ણા હઝારેની દિલ્હી પોલીસે ધરપકડ કરતાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જનઆંદોલન ઉભુ થઈ રહ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.ખેડા જિલ્લામાં પણ અણ્ણા હઝારેના સમર્થનમાં અને સરકારના વિરોધમાં તાલુકે તાલુકે અને ગામડે ગામડે અનેક પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
અંતરિયાળ વિરપુર તાલુકાના જોધપુર ગામે કેન્ડલ રેલી નીકળી
જીલ્લામથક નડિયાદ હોય કે સરહદી વિરપુર તાલુકાનું છેવાડાનું જોધપુર ગામ હોય સર્વત્ર ભ્રષ્ટાચાર વિરોધી વંટોળ ફેલાઈ રહ્યો છે.અણ્ણા હઝારેની ભ્રષ્ટાચાર સામેની લડાઈ આમઆદમીને પોતાની લડાઈ લાગી રહી હોવાથી દિવસે ને દિવસે આ લડાઈ ક્રાંતિમાં પરિર્વિતત થઈ રહી છે,અને ભ્રષ્ટાચારના વિરોધમાં સમગ્ર ખેડા જિલ્લો પણ ક્રાંતિ ના રસ્તે જઈ રહ્યો હોય તેવી હાલત જોવા મળી રહી છે.
ભ્રષ્ટાચાર મામલે આંદોલન છેડીને જનલોકપાલ બિલને સંસદમાં પાસ કરાવવાની જીદ સાથે દિલ્હીના રામલીલા મેદાનમાં ઉપવાસ આંદોલનમાં બેઠેલા અણ્ણા હઝારે અને તેમની ટીમને ભારતભરમાંથી સમર્થન મળી રહ્યું છે.ભ્રષ્ટાચારનોભોગ બનેલી ખેડા જિલ્લાની આમજનતા પણ અણ્ણાના આંદોલનને સમર્થન આપીને ભ્રષ્ટાચારને દેશમાંથી બહાર કાઢી મુકવાની લડાઈમાં જોતરાઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસથી અણ્ણાની જેમ સમગ્ર ખેડા જિલ્લો પણ ક્રાંતિના માર્ગે આગળ વધી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે.જિલ્લામથક નડિયાદ ખાતે ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ અને પશ્ચિમ નાગરિક સમિત હેઠળ યુવાનો અને સીનીયર સીટીઝન,આગેવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે,જેમાં ધરણાં,રેલી,મશાલ રેલી, બાઈક રેલી સહિત સુત્રોચ્ચાર અને પ્રતિક ઉપવાસ કરીને ભ્રષ્ટાચાર સામે આંદોલનને મજબુત બનાવવામાં આવી રહ્યું છે.આજે નડિયાદમાં ભ્રષ્ટાચાર વિરોધી જનતાએ ભ્રષ્ટાચારની સ્મશાનયાત્રા કાઢી હતી,અને ભ્રષ્ટાચારન્ના પુતળાને તથા સરકારી લોકપાલ બિલને અગ્નીદાહ આપી તેના અસ્થિને ગટરમાં પધરાવવામાં આવ્યા હતા.નડિયાદ સહિત જિલ્લાભરમાં પોતાના કામધંધામાં વ્યસ્ત બનેલા લોકોને ભ્રષ્ટાચાર બાબતે જાગૃત કરવાના આશયથી કાઢવામાં આવેલી ભ્રષ્ટાચારની સ્મશાનયાત્રાએ સમગ્ર નડિયાદમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.નડિયાદ ઉપરાંત ખેડા જીલ્લાના ઠાસરા, ડાકોર, બાલાસિનોર, માતર, મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા, મહેમદાવાદ, વિરપુર તાલુકામથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભ્રષ્ટાચાર સામે અને અણ્ણા હઝારેના સમર્થનમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે.
શહેરી વિસ્તારોની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ ભ્રષ્ટાચાર વિરોધની લડાઈ પોતાની લડાઈ હોવાનું માનીને છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં પણ રેલી અને ધરણાંના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ખેડા જિલ્લાના સરહદી વિરપુર તાલુકાના ખોબા જેવડા જોધપુર ગામમાં પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની અસર જોવા મળી હતી.ગામના પાદરે આવેલા મંદિરમાં
સાંજના ૬.૩૦ કલાકે ગામના અબાલવૃધ્ધ સૌ કોઈએ મીણબત્તી સળગાવીને અણ્ણા હઝારે તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના બેનરો અને નારા લગાવ્યા હતા.વંદે માતરમ્ અને ભારત માતા કી જય ના પ્રચંડ અવાજ સાથે ખોબા જેવડા ગામે પણ અણ્ણાની ભ્રષ્ટાચાર વિરોધી ક્રાંતિમાં પોતાનો સિંહફાળો નોંધાવ્યો હતો.આવી જ રીતે ખેડા જિલ્લાના કેટલાયે ગામડાઓ,તાલુકાઓ તેમજ શહેરોમાં ભ્રષ્ટાચાર વિરોધી ક્રાંતિ જોવા મળી રહી છે.અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ હવે ભ્રષ્ટાચારથી આઝાદી મેળવવાની વાતે જિલ્લાભરનો આમ નાગરિક અણ્ણાની લડાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈ રહ્યો છે.ભ્રષ્ટાચારની આ ઝુંબેશમાં યુવાનોનું જોડાણ ખુબ જ વધુ જોવા મળી રહ્યું છે.અત્યારે ઈન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં યુવાનો દ્વારા અણ્ણા હઝારેની લડાઈનેમોટા પ્રમાણમાં ફેલાવવામાં આવી રહ્યું છે.દિવસભર અણ્ણા સમર્થનને લગતા એસ.એમ.એસ. ઉપરાંત ફેસબુક અને ટ્વીટર ઉપર પણ અણ્ણાને સમર્થન આપનારા યુવાધનની કમી જોવા મળતી નથી.અણ્ણાના સમર્થનમાં મીસ કોલ માટેના એસ.એમ.એસ.જિલ્લાભરના મોબાઈલધારકોમાં ફરતા હોવાનું જોવા મળી રહ્યું છે,અને મોટાભાગના મોબાઈલ ધારકો મીસ કોલ કરીને અણ્ણાને સમર્થન હોવાનું જતાવી રહ્યા છે.
ખેડા જિલ્લા ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ દ્વારા અવનવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે,જ્યારે તેઓ દ્વારા કેન્દ્રીય મંત્રી અને સાંસદ દિનશા પટેલને આવેદનપત્ર આપીને જન લોકપાલ બિલ મુદ્દે રજુઆત કરશે.યાત્રાધામ ડાકોર તેમજ ઠાસરા તાલુકાના વનોડાથી કરમસદ સુધી બાઈક રેલી કાઢીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ રેલીમાં ડાકોર તેમજ ઠાસરા તાલુકાના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.ખેડા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહેલી ભ્રષ્ટાચાર વિરોધી ક્રાંતિ દિનપ્રતિદિન ફેલાઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
નડિયાદમાં ભ્રષ્ટાચારની સ્મશાનયાત્રા
પુતળા દહન, સૂત્રોચ્ચારો, ઉપવાસ આંદોલન, ધરણાં, ઘંટનાદ જેવા કાર્યક્રમો યોજાયા
તાલુકે તાલુકે અને ગામડે ગામડે અણ્ણાને સમર્થન
બાઈક રેલી સાથે યુવાનો પણ જોડાયા

Advertisements

ઠાસરાના શિક્ષકે સભ્યતા ગુમાવીને વિધવા સાથે બિભત્સ વર્તન કર્યું..!!


નડિયાદ, તા.ર૯
તાલુકામથક ઠાસરા ખાતે એક પ્રાથમિક શિક્ષકે પોતાની સભ્યતા ગુમાવીને બાજુમાં રહેલી વિધવા શિક્ષક પત્ની સાથે બિભત્સ વાણી વિલાસ કરતાં હાજર તમામ રહીશોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.તાલુકાની એક પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવા છતાં શિક્ષક તરીકેની સભ્યતા ભુલી ગયા હોવાની વાતે સમગ્ર તાલુકામાં તેઓ સામે ભારે ફીટકારની લાગણી જોવા મળી રહી છે.બેફામ બનેલા શિક્ષકના રોજેરોજના વાણી વિલાસથી કંટાળીને વિધવાએ પોલીસનો આશરો લેતાં આખરે શિક્ષક અને તેમની પત્નીની શાન ઠેકાણે આવી જવા પામી હતી.
ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અને શિક્ષિકાઓને માથે શાળાના બાળકોને સારામાં સારું શિક્ષણ આપવાની અઘરી જવાબદારી છે,ત્યારે કેટલાક શિક્ષકો અને શિક્ષિકાઓના વર્તન અને વાણી વિલાસને જોઈને તેઓ બાળકોમાં કેવું શિક્ષણ અને સંસ્કાર સિંચતા હશે,તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.સામાન્ય બાબતોમાં બેફામ બની જતા શિક્ષકો અને શિક્ષિકાઓને સાંભળતા જોઈને નાના ટાબરીયાઓ પણ નોનવેજ ભાષા બોલતા થઈ ગયા છે.આવા સભ્યતા વિહોણા એક શિક્ષક તાલુકામથક ઠાસરાની એક સોસાયટીમાં રહે છે અને પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે,જ્યારે તેમના પત્ની પણ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.છેલ્લા કેટલાક સમયથી આ શિક્ષક અને તેમની બાજુમાં રહેતા વિધવા શિક્ષક પત્ની સાથે રોજેરોજ કંકાસ થતા હતા.ગતરોજ ઈલેક્ટ્રીક ટયુબલાઈટ ફિટીંગનું કામ કરાવી રહેલા શિક્ષકે વિધવાઓના કારણે અંધારા થઈ ગયા તેમ બાજુમાં રહેતા વિધા શિક્ષક પત્નીને સંભળાવીને કહેતાં શિક્ષક પત્ની વિધવાએ તેમ ન બોલવા કહેતાં આ શિક્ષકે વિધવા સામે બેફામ વાણીવિલાસ કરવાની સાથે શિક્ષક તરીકેની સભ્યતા ગુમાવી દીધી હતી.પોતાના પતિ એક વિધવા સાથે ખોટી ભાષામાં બિભત્સ ગાળો બોલી રહ્યા હોવાથી તેઓને ચુપ કરાવવાને બદલે શિક્ષક પત્ની પણ બિભત્સ ભાષામાં જોતરાઈ જતાં થોડાક સમય માટે સોસાયટીના અન્ય રહીશોને પોતાના કાન બંધ કરી દેવા પડે તેવી હાલત થઈ જવા પામી હતી.ગુસ્સે ભરાયેલા શિક્ષકનો વાણીવિલાસ કલાકો સુધી બંધ ન થતાં આખરે વિધવા તેના પુત્ર સાથે ઠાસરા પોલીસમથકે ફરિયાદ કરવા પહોંચી ગઈ હતી.જેને પગલે ઠાસરા પીએસઆઈ રાવે અસભ્ય વર્તન કરનાર શિક્ષક અને તેની પત્નીને પોલીસમથકમાં પકડી લાવી કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી,પરંતુ સભ્યતા ગુમાવી દેનાર શિક્ષક તાલુકાના શિક્ષકોમાં આગેવાની ધરાવતા શિક્ષકોના નજીકમાં હોવાથી આગેવાનોએ દરમ્યાનગીરી કરીને મામલો થાળે પાડી દેવાની કોશિષ કરી હતી,અને વિધવા શિક્ષક પત્નીને સમજાવીને કોઈપણ પ્રકારની ફરિયાદ આપવાને બદલે સમાધાન કરવા મનાવી લીધા હતા.તેમ છતાં ઠાસરા પીએસઆઈએ સભ્યતા ગુમાવનાર મુખ્ય શિક્ષક પાસે માફી પત્ર લખાવીને ફરીથી આવા કૃત્ય નહિ કરવાની કડક સુચના આપી હતી.આમ ઠાસરા તાલુકાના એક પ્રાથમિક શિક્ષકે સભ્યતા ગુમાવી હોવાની વાત સમગ્ર તાલુકામાં પ્રસરી જતાં મોટાભાગના શિક્ષકોમાં ભારે રોષની લાગણી જોવા મળતી હતી.

વાંઘરોલી ગામની સીમમાંથી કતલખાનું ઝડપાયું


નડિયાદ, તા.ર૯
ઠાસરા તાલુકાના કેટલાક ગામડાઓના સીમ વિસ્તારોમાં વર્ષોથી નિર્દોષ પશુઓની કતલેઆમ કરતા કતલખાના ચાલી રહ્યા છે,આ વાતની જાણકારી ઠાસરા પીએસઆઈને થતાં તેઓએ છેલ્લા કેટલાક દિવસથી કતલખાનું શોધી કાઢવા માટે પોતાના માણસો કામે લગાડી દીધા હતા.અગાઉ પણ પોલીસે કતલખાનું ઝડપી પાડવા ભારે કમર કસી હતી,તેમ છતાં તેઓને સફળતા મળી નહોતી,જ્યારે ગઈકાલે રાત્રે બાતમી મળતાં જ ઠાસરા પોલીસ વાંઘરોલી ગામના સીમ વિસ્તારમાં શેઢી નદીના કોતરોમાં ભારે જોખમી કહી શકાય તેવા ઓપરેશનમાં લાગી ગઈ હતી,અને ગણતરીના કલાકોમાં જ નિર્દોષ ગાયોની અને ગૌ વંશની કતલેઆમ કરવામાં આવતી હતી,તે સ્થળે પહોંચી જઈને ત્રણ બળદોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. જો કે તે અગાઉ પાંચ ગૌ વંશોની નિર્દયી રીતે કતલેઆમ કરીને તેમના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા હતા.અચાનક આવેલી પોલીસ સાથે કતલખાના ચલાવનારા ઈસમોએ પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી,પરંતુ પુરી તૈયારી સાથે પહોંચી ગયેલા પોલીસ કાફલાએ હિંમતભેર સામનો કરીને એક ઈસમને ઝડપી પાડયો હતો,જ્યારે અન્ય બે ઈસમો અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા.
ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નિર્દોષ પશુઓની રોજેરોજ કતલેઆમ કરીને તેમનું માંસ,હાડકા અમદાવાદ તેમજ વડોદરા જેવા શહેરોમાં વહન કરવામાં આવી રહ્યા હોવાની વાતો જગજાહેર છે.ખેડા જિલ્લાના ઠાસરા, બાલાસિનોર, કપડવંજ, કઠલાલ તેમજ મહુધા જેવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોજેરોજ નિર્દોષ પશુઓની કત્લેઆમ કરવામાં આવી રહી છે.
ઠાસરા તાલુકામાં પણ કેટલાક ગામોના સીમ વિસ્તારોમાં સ્થાનિક ઈસમો દ્વારા જ કતલખાના ચલાવવામાં આવી રહ્યા છે. ભુતકાળમાં પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કતલખાના ઝડપી પાડવામાં આવ્યા હતા. કતલખાનામાં હિંદુઓ માટે પુજનીય એવી ગાયો ઉપરાંત ગૌ વંશ એવા બળદ,વાછરડા સહિતના પશુઓની રોજેરોજ નિર્દયી રીતે કત્લેઆમ કરવામાં આવે છે.ડાકોર તેમજ કઠલાલ સહિતના ઠેકાણે ભરાતી ગુર્જરીમાં બળદોની ખરીદી કરીને આવા બળદોને કતલખાને પહોંચાડવામાં આવતા હોવાની વાતો અનેકોવાર બહાર આવી છે. જો કે આજે વહેલી સવારે ઠાસરા તાલુકાના વાંઘરોલી ખાતે ઝડપાયેલા કતલખાનાને પગલે અલગ જ મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે.
યાત્રાધામ ડાકોરમાં મંગળવારના રોજ અને કઠલાલમાં ગુરૃવાર અને શુક્રવારના રોજ ગુર્જરી ભરાય છે,જેમાં વાંઘરોલી ખેડૂદો દ્વારા બળદ કે વાછરડાની લે વેચ કરવામાં આવે છે.આ ગુર્જરીમાં અમદાવાદના કેટલાક ઈસમો કતલ કરવાના ઈરાદે ખેડૂત બનીને બળદ કે વાછરડાની ખરીદી કરવા આવે છે,અને વધુ વય ધરાવતા બળદ તેમજ સસ્તા ભાવે મળતા બળદ કે વાછરડાની ખરીદી કરી લેતા હોય છે, અને આ તમામ પશુઓને ખેડૂતના સ્વાંગમાં કતલખાના સુધી પહોંચાડીને તેમની નિર્દયી રીતે હત્યા કરી નાખતા હોય છે.
ડાકોર કે કઠલાલની ગુર્જરી માટે બળદ કે વાછરડાની ખરીદી કરવા અને ગુર્જરીમાંથી ખરીદાયેલા બળદ ચોક્કસ ગામ કે સીમ સુધી પહોંચાડવાની જવાબદારી સ્થાનિક ઈસમોને સોંપવામાં આવે છે.આવા સ્થાનિક ઈસમો બળદ કે વાછરડાને ખેતી માટે ખરીદીને લઈ જતા હોય છે.રસ્તામાં કોઈપણ જીવદયા પ્રેમી કે પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવે તો ખેતી માટે લઈ જતા હોવાનું અને પોતે ખેડૂત હોવાના પુરાવા આપીને ગુર્જરીમાંથી ખરીદીને લાવ્યા હોવાના પુરાવા રજુ કરી દતા હોય છે.જેના કારણે પોલીસ કે જીવદયા પ્રેમીઓ કંઈ કરી શકતા નથી.આવી રીતે લઈ ગયેલા બળદ કે વાછરડાઓને દરવખતે અલગ અલગ સ્થળની પસંદગી કરેલા નક્કી સ્થળે બાંધી દેવામાં આવે છે.
બીજા દિવસે અમદાવાદથી ત્રણ થી વધુ ઈસમો ટેમ્પો કે અન્ય કોઈ વાહન લઈને જે તે સ્થળે પહોંચી જાય છે,અને સ્થાનિક લોકોની મદદ લઈને રાત્રિના સમયે બળદ કે વાછરડાઓને નિર્જન ખેતરો કે નદીના કોતરોમાં લઈ જઈને કુહાડાના ઝાટકાથી પશુઓની ગરદન કાપી નાખ્યા બાદ તેમના નાના નાના ટુકડા કરી નાખતા હોય છે.આવી જ રીતે ગઈકાલે રાત્રે એકઠા થઈને વાંઘરોલી સીમમાં શેઢી નદીના કિનારે આવેલા ખેતરમાં ૮ બળદને કાપી નાખવાના ઈરાદા સાથે અમદાવાદના ત્રણ અને એક સ્થાનિક એમ કરીને કુલ ચાર ઈસમો પહોંચી ગયા હતા.
છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણકારીના આધારે ઠાસરા પીએસઆઈ ડી.એન.રાવ છુપી નજર રાખી રહ્યા હતા,તેઓને બાતમી મળતાં જ તેઓ પોતાના સ્ટાફ સાથે બાતમી મળેલીસ જગ્યાએ રાત્રિના સુમસામ અંધારામાં નદીના કોતરો ખેડીને ત્યાં પહોંચી ગયા હતા,પરંતુ આ સમયે જ મોબાઈલ ઉપર ફોન આવતાં લાઈટ થઈ જતાં બળદની કતલેઆમ કરી રહેલા ઈસમો ચોંકી ગયા હતા,અને કોઈ આવી રહ્યું હોવાનું જાણીને તેઓએ બુમો પાડીને પાછા જતા રહો નહિ તો મારી નાખીશું,તેમ કહેવા લાગ્યા હતા.
સુમસામ ખેતરોમાં વહેલી સવારના અંધારામાં પોલીસે સહેજપણ ડર રાખ્યા વિના આગળ વધતાં પોલીસ આવી ગઈ હોવાનું માનીને ચારેય ઈસમો ભાગી છુટયા હતા,જો કે ટેમ્પો લઈને ભાગવાની કોશિષ કરતો ટેમ્પો ડ્રાઈવર અસમતખાન રહીમખાન પઠાણ (રહે.રખિયાલ,અમદાવાદ) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો,જ્યારે અન્ય ત્રણ ઈસમો ભાગી છુટયા હતા.સ્થળ ઉપર જોતાં કઠણ કાળજાની મનાતી પોલીસ પણ દંગ રહી ગઈ હતી,કારણકે આઠમાંથી પાંચ બળદને નિર્દયી રીતે કાપીને તેમના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા.કાપી નાખવામાં આવેલા બળદની ગરદનને જોઈને પીએસઆઈ રાવે જણાવ્યું હતું કે એક બળદની કપાયેલી ગરદનને જોતાં તેની આંખમાંથી આસુ ટપક્યા હોવાનું સાફ જોઈ શકાતુ હતું.
આમ પોલીસ પણ આ દ્રશ્યો જોઈને કંપી ગઈ હતી.પોલીસે ટેમ્પો નં.જીજે૧ બીઆય.૬રર૮ સહિત તમામ મુદ્દામાલ તેમજ બચી ગયેલા ત્રણ જીવતા બળદને પોતાના કબજામાં લઈને ઝડપાઈ ગયેલા ઈસમની અટક કરીને તેના સહિત અન્ય ત્રણ ઈસમો વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ઝડપાઈ ગયેલા ઈસમે વર્ણવેલી વાતો ઉપરથી નિર્દોષ પશુઓની કતલેઆમ કરી રહેલા તત્વોની મોડેસ ઓપરેન્ડી બહાર આવી હતી.અગાઉ ચોક્કસ જગ્યાએ ચાલતા કતલખાના પોલીસની નજરમાં આવી જતા હોવાથી હવે આ કસાઈઓ કતલખાનાની ચોક્કસ જગ્યા રાખવાને બદલે અલગ અલગ જગ્યાએ કોઈના પણ ખેતરોમાં રાત્રિના સમયે કત્લેઆમ ચલાવતા હોવાની વાતો બહાર આવી રહી છે.ત્યારે હવે ખેતરોના માલિકોએ પણ રાત્રિના સમયે પોતાના ખેતરોમાં અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલી હિલચાલ અંગે પોલીસને જાણ કરવી હિતાવહ બની ગઈ છે.
આ અગે ઠાસરા પીએસઆઈ રાવને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે આઠમાંથી પાંચ બળદની કતલ કરનારાઓમાં એક ઈસમ ઝડપાઈ ગયો હોવાથી હવે અન્ય તમામ ઈસમોને ઝડપી પાડવામાં આવશે.અમદાવાદના ઈસમોની સાથે સ્થાનિક ઈસમોની સંડોવણી હોવાની વાતને પોલીસે પણ સમર્થન આપ્યું હતું.ત્યારે ખેડા જીલ્લાના ગામડાના ખેતરોમાં નિર્દોષ પશુઓની કતલેઆમ કરીને હાડ,માંસ,ચામડા અમદાવાદ વહન કરનારા ઈસમો સામે પોલીસની સખ્તાઈ જરૃરી થઈ પડી છે,જ્યારે ખેડા જીલ્લાના જીવદયા પ્રેમીઓએ પણ આ બાબતે પોતાની કામગીરી સ્પષ્ટ કરવી જોઈએ,તેમ જણાઈ રહ્યું છે.

ખેડા જિલ્લામાં સરકારી પડતર જમીનો ઉપર ગેરકાયદે અડીંગો


નડિયાદ, તા.૨૧

ખેડા જીલ્લાની કરોડો રૃપીયાની સરકારી જમીનોનો ઉપયોગ જિલ્લાના અધિકારીઓની ભ્રષ્ટાચારી નિતીને કારણે વગ ધરાવતા ઈસમો મફતના ભાવમાં કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠતી રહી છે.ગ્રામ પંચાયત વિસ્તારોમાં આવેલી ગૌચર તેમજ સરકારી પડતર જમીનો ઉપર જે તે પંચાયતના સરપંચ કે તલાટી સાથે સાંઠગાંઠ ધરાવતા ઈસમોએ ઘણા વર્ષોથી અડીંગો જમાવી દીધો છે,અને તેમ છતાં તાલુકા તેમજ જિલ્લા વિકાસ અધિકારી કચેરી દ્વારા આવી સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં ભારે ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાથી અનેક શંકા કુશંકાઓ ઉપજી રહી છે.ખેડા તાલુકાના ચિત્રાસર ગ્રામ પંચાયતની માલિકીની સરકારી પડતર જમીનમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરપંચ અને તલાટીની રહેમનજર હેઠળ ખેતી કરવામાં આવી રહી છે.આજે આ જમીનની કિંમત કરોડોમાં બોલાઈ રહી છે,ત્યારે દબાણકર્તા દ્વારા એકપણ રૃપીયાની ચુકવણી વિના કરોડોની જમીન ઉપર કબજો જમાવી દીધો હોવાની ફરિયાદ ચિત્રાસર ગામના નાગરિક દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.

તાલુકામથક ખેડાની ચિત્રાસર ગ્રામ પંચાયતની માલિકીની સરકારી પડતર જમીન સત્તા પ્રકાર નંબર ૧૪ર અને ખાતા નંબર ર૬૪માં આશરે ર૦ વીઘા જેટલી જમીન આવેલી છે.આ જમીન ઉપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ ભાગ રાખીને ઉપરોક્ત જમીન પોતાના મળતીયા વ્યક્તિઓના નામે ખેડતા હોવાની લેખિત ફરિયાદ તા.રપ-૧૦-ર૦૧૦ના રોજ ચિત્રાસર ગામના અરજદાર ગૌતમભાઈ ઈશ્વરભાઈ શ્રીમાળી દ્વારા કરવામાં આવી હતી.ગ્રામ પંચાયતની માલિકીની સરકારી પડતર જમીન ઉપર સરપંચ તેમજ તલાટી દ્વારા ડાંગર તેમજ ઘઉં જેવા પાકો લેવામાં આવે છે,અને વર્ષે દહાડે લાખ્ખો રૃપીયાની આવક રળવામાં આવી રહી છે.સરપંચ તેમજ તલાટીએ પોતાના બચાવ માટે આ જમીન સોનાબેન સોલંકી દ્વારા ખેડવામાં આવતી હોવાની વાતો કરવામાં આવી રહી છે.ત્યારે પંચાયતની માલિકીની સરકારી જમીન ઉપર અન્ય વ્યક્તિ પણ કોઈપણ જાતની પરવાનગી વિના કેવી રીતે ખેતી કરાવી શકે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.આમ આશરે પાંચ મહિના અગાઉ કરવામાં આવેલી લેખિત ફરિયાદ છતાં આજસુધી ચિત્રાસરની સરકારી જમીનને દબાણકારો પાસેથી મુક્ત કરાવવામાં જિલ્લા વિકાસ અધિકારી પણ નિષ્ફળ રહેતાં ઉપરથી નીચે સુધીના તમામ અધિકારીઓ સામે શંકાઓ ઉપજી રહી છે.આ મામલે ખેડા જિલ્લા વિકાસ અધિકારી મનીષાબેન ચંદ્રાને ટેલિફોનીક પુછતાં તેઓએ આવી તો અનેક ફરિયાદો ચિત્રાસર ગામની ચાલી રહી છે,તમે કંઈ વાત કરો છો,તે મને સમજાતુ નથી,હું મિટીંગમાં છું,બે દિવસ પછી વાત કરજો જેવા જવાબો આપીને ઉપરોક્ત કરોડોની સરકારી જમીનના મામલે કોઈ સચોટ જવાબ આપવાનું ટાળ્યું હતું.

ચિત્રાસર ગામના અરજદારના જણાવ્યા મુજબ એક વીઘા જમીનના ૧પ લાખથી વધુની કિંમતની આશરે ર૦ વીઘા જેટલી સરકારી પડતર જમીન ઉપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીના ઈશારે ચોક્કસ વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે.આ ર૦ વીઘા જમીનની કિંમત આશરે ત્રણ કરોડ રૃપીયા જેટલી થાય છે,ત્યારે સરકારી માલિકીની આ જમીન ઉપર સરકારી અધિકારીઓ અને લાગતાવળગતાઓની મિલીભગતને કારણે વર્ષોથી દબાણ જમાવી દેવામાં આવ્યું છે.ખેડા તાલુકા વિકાસ અધિકારી કે ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વર્ષોથી કરોડોની જમીન ઉપર દબાણ કરીને બેસી ગયેલા ઈસમોને દૂર કરવાની કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.આ બાબતે ખેડા તાલુકા વિકાસ અધિકારી અમીનને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે જમીન ઉપર દબાણ કરનાર દબાણકારને નોટિસ આપવામાં આવી છે,તેમ છતાં આ મામલો કોર્ટમાં ચાલતો હોવાથી હજી સુધી જમીન દબાણકાર દ્વારા જ ખેડવામાં આવી રહી છે.આમ સરકારી ચોપડે સરકારી પડતર જમીન બોલતી આ ત્રણ કરોડથી વધુ કિંમતની જમીન ઉપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીના ઈશારે સોનાબેન સોલંકી દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આુવ્યો હોવાની ફરિયાદ પણ અરજદારે કરી હતી.અરજદાર દ્વારા ખેડા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને વારંવાર લેખિત રજુઆત કરવા છતાં સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવામાં ન આવતાં આખરે અરજદારે આજે તા.૭-૪-૧૧ના રોજ મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદી, ખેડા જીલ્લા કલેક્ટર અને ખેડા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરીને જણાવ્યું હતું કે તેઓએ કરેલ રજુઆતને પગલે હજી સુધી સરકારી જમીન ઉપરના દબાણ દૂર કરવામાં આવ્યા નથી તેમજ સરકારી પડતર જમીન ઉપર અડીંગો જમાવીને તેને ખેડવામાં આવી રહી હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવી નથી.અરજદારના જણાવ્યા મુજબ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે,અને જો તેઓ ખોટા સાબિત થાય તો પોતાની સામે કાર્યવાહી કરવામાં આવે ૃતેવી માગણી કરીને પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અરજદારો દ્વારા ગ્રામ્ય કક્ષાએ ચાલતા સરકારી જમીનના કૌભાંડો બહાર લાવવામાં આવતા હોવા છતાં તેઓને પ્રોત્સાહિત કરવાને બદલે ખેડા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર મામલાને દબાવી દેવાના પ્રયાસો કરવામાં આવતા હોવાની લાગણી પણ અરજદારમાં ઉઠી રહી છે.ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી પડતર જમીન ઉપર બેઠેલા ગેરકાયદેસર કબજેદારોને દૂર હટાવવા અને કરોડોની સરકારી જમીન ઉપર થઈ રહેતી ખેતી અટકાવવાની કામગીરી કરવામાં આવે ૃતેવી માગણી પણ અરજદાર દ્વારા કરવામાં આવી છે.જો કે આ મામલે પંચાયતના તલાટી શરદભાઈ મકવાણાને પુછતાં તેઓએ જણાવ્યું કે પંચાયતની સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવાનો હુકમ થઈ ગયો છે,પરંતુ મામલો કોર્ટમાં ચાલતો હોવાથી કોર્ટનો ચુકાદો આવ્યા પછી જે ૃતે કાર્યવાહી કરવામાં આવશે.આમ સરકારની કરોડો રૃપીયાની જમીનના મામલે દબાણકર્તાની સામે સરકાર તરફથી પંચાયત દ્વારા ઢીલી નિતીઓ રાખવામાં આવતી હોવાનું અરજદારને જણાઈ રહ્યું છે.ત્યારે ચિત્રાસર પંચાયતની સરકારી જમીનનો વિવાદ ફરીથી વકર્યો છે.

ચિત્રાસરના સરપંચ અને તલાટી સામે આક્ષેપો

ખેડા તાલુકાના ચિત્રાસર ગ્રામ પંચાયતની માલિકીની આશરે ર૦ વીઘા જેટલી સરકારી પડતર જમીન છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર રીતે ખેડવામાં આવતી હોવાની ફરિયાદ ગામના જ અરજદાર ગૌતમભાઈ શ્રીમાળી દ્વારા કરવામાં આવી હતી.અરજદારના જણાવ્યા મુજબ પંચાયતના સરપંચ કાનજીભાઈ પરમાર અને તલાટી શરદભાઈ મકવાણા દ્વારા અન્ય વ્યક્તિના નામે ખેડવામાં આવતી હોવાની રજુઆત કરવામાં આવી છે.જો કે આ અંગે તલાટી શરદભાઈ મકવાણાને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે,જેનો ચુકાદો આવ્યા પછી જે તે નિર્ણય કરવામાં આવશે.અરજદાર સરપંચના વિરોધી હોવાથી ખોટી રજુઆતો કરી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

કઠલાલથી ૪૦૦૦ કિલો ગૌ માંસનો જથ્થો ઝડપાઈ ગયો


નડિયાદ તા.૨૧ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેરોકટોક ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓમાં રોજેરોજ મુગા પશુઓની કતલેઆમ કરવામાં આવી રહી છે,સાથે સાથે ગાયો કે ગૌવંશની પણ કતલેઆમ કરવામાં આવે છે.ખેડા તેમજ પંચમહાલ જિલ્લાના ગામડાઓમાંથી અમદાવાદ તરફ રોજેરોજ વહન થઈ રહેલો માંસનો જથ્થો અવારનવાર ઝડપાતો રહે છે,તેમ છતાં કતલખાના ચલાવનારા અને માંસની હેરાફેરી કરનારાઓ આજેપણ પોતાનો કારોબાર ચલાવી જ રહ્યા છે.કઠલાલ ચોકડી ઉપર બાતમીના આધારે પોલીસે એક ટાટા ગાડીને રોકતાં તેમાંથી ૪૦૦૦ કિલો જેટલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલક સહિત સાડા ચાર લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.        અમદાવાદ તેમજ વડોદરા જેવા શહેરોમાં રોજેરોજ માંસના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે.ખેડા જિલ્લા ઉપરાંત પંચમહાલ જિલ્લાના ચોક્કસ ગામડાઓમાં ધમધોકાર ચાલતા કતલખાનાઓમાં રોજેરોજ અનેક મુગા પશુઓની કતલેઆમ કરવામાં આવે છે,અને ત્યારબાદ માંસ,ચામડા તેમજ શીંગડાં સહિતનો જથ્થો અમદાવાદના વેપારીઓને વેચી દેવામાં આવતો રહ્યો છે.પાછલા દિવસોમાં પણ કઠલાલ નજીકથી માંસનો જથ્થો પકડાયો હતો,અને માંસની હેરાફેરી કરનાર ઈસમે જણાવ્યું હતું કે આ જથ્થો તે બાલાસિનોરના ઈસમ પાસેથી લાવ્યોહતો,તેમ છતાં પોલીસે તે તરફ પગલાં ભરવાનું ટાળીને સમગ્ર મામલો દબાવી દીધો હતો.આજે કઠલાલ ચોકડી ઉપરથી એક ટાટા ગાડી (નં.જીજે-૧૮એક્સ-૩ર૭ર)માં માંસનો જથ્થો અમદાવાદ તરફ જઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ગાડીને રોકીને તપાસ કરતાં ગાડીમાંથી ૬ ગૌ માંસના ચામડા, ૧ર શિંગડા સહિત આશરે બે લાખની કિંમતનો  ૪૦૦૦ કિલો માંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે ગાડી સહિત કુલ સાડા ચાર લાખનો જથ્થો કબજે લઈને ગાડીના ડ્રાયવર આરોપી સલીમભાઈ હુસેનભાઈ શેખ (રહે.લાલપુર,હિંમતનગર)ને ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયેલા ડ્રાયવરે માંસનો જથ્થો અમદાવાદ લઈ જવામાં આવતો હોવાનું અને બાલાસિનોર થી લુણાવાડા રોડ ઉપરના એક ગામમાંથી નફુ અને રહિશ નામના ઈસમે માંસ ભરી આપ્યું હોવાની કબુલાત કરી હતી.ત્યારે હવે જોવું રહ્યું કે કઠલાલ પોલીસ અગાઉની જેમ આખા કેસનો પીલ્લો વાળી દે છે કે પછી માંસ આપનાર અને લેનાર બંને ઈસમો સુધી પહોંચે છે.કારણકે ભુતકાળમાં અનેકવાર માંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવા છતાં પોલીસ ઝડપાયેલા આરોપી સુધી જ સિમિત રહીને આખી તપાસ ઉપર ત્યાં જ પુર્ણવિરામ મુકી દેતી આવી છે.ખેડા જીલ્લાના જીવદયા પ્રેમીઓ પણ જાણે કે પોલીસની રાહે ચાલતા હોય તેમ મુગા પશુઓની ખુલ્લેઆમ ચાલતી કતલેઆમ સામે ઝૂંબેશ ચલાવવાની નૈતિકતા ગુમાવી ચુક્યા હોય તેમ જોવા મળી રહ્યું છે.ત્યારે ખેડા જીલ્લા પોલીસ વડા દ્વારા ખેડા જિલ્લામાં ચાલતા કતલખાના અને માંસની હેરાફેરીને અટકાવવા તેના મુળ સુધી પહોંચવામાં આવે તેવી જિલ્લાભરની જનતા આશા રાખી રહી છે.

માંસની હેરાફેરી અને કતલાખાના ચલાવનારાઓ સામે પાસા કેમ નહીં ?

ખેડા જિલ્લામાં ખુલ્લેઆમ ચાલતા કતલખાના અને માંસની હેરાફેરીને કાબુમાં લેવા માટે પોલીસે જવાબદારો સામે પાસાની કાર્યવાહી કરવી જોઈએ,તેમ છતાં આજસુધી આવા ગુનામાં સંડોવાયેલા એકપણ આરોપી સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ નથી. જિલ્લામાં મુગા પશુઓની નિર્દયી રીતે કતલેઆમ કરવામાં આવી રહી છે,તેમાંય વળી હિંદુઓ માટે પુજનીય એવી ગાયો તેમજ ગૌવંશની કતલેઆમ ર્ધાિમક લાગણીને ઠેંસ પહોંચાડવામાં આવી રહી છે,તેમ છતાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા કતલ કરનારા કે માંસનો જથ્થો ખરીદનારા સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે,અને આ પ્રકારના નિર્દયી કૃત્યો કરનારા ઈસમો સામે પાસાની કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તેવા સવાલો ઉઠી રહ્યા છે.

કરોડોનો ચૂનો લગાડનાર ઠગ ટોળકી સામે પોલીસ ફરિયાદ


નડિયાદ તા.૨૧

જિલ્લામથક નડિયાદમાં આલિશાન ઓફિસ ભાડે રાખીને આણંદ તેમજ ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને લલચાવીને લોન આપવાને બહાને આશરે દશ હજાર જેટલા લોકો પાસેથી વ્યક્તિદીઠ રૃ.૧પ૦૦ થી ર૦૦૦૦ રૃ.જેવી રકમ ઉઘરાવીને કરોડો રૃપીયાનો ચુનો લગાવી જતાં ખેડા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ બેરોજગાર લોકો રસ્તા ઉપર આવી ગયા છે.નડિયાદ શહેર પોલીસને છેલ્લા ત્રણેક દિવસથી આ બાબતની ગંધ આવી ગઈ હોવા છતાં ફરિયાદીની વાટ જોઈને બેસી રહેતાં ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હોવાની લાગણી રૃપીયા ગુમાવનારાઓમાં જોવા મળી રહી છે.નડિયાદ પોલીસે કરોડોની ઠગાઈ સામે માત્ર ર૦હજાર રૃપીયાની એક જ પોલીસ ફરિયાદ નોંધીને ઠગ ટોળકીના કારનામાઓને સામાન્ય દેખાડવાની કોશિષ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ દબાતા અવાજે ઉઠી રહ્યા છે.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે એક શોપીંગ સેન્ટરમાં દુન ભાડે રાખીને શિવમ કન્સલટન્સીના નામે ગૃપ લોન,પર્સનલ લોન, ખેતી(કૃષિ) લોન, ટુ વ્હીલર,થ્રી વ્હીલર,ફોર વ્હીલર,વ્હીકલ લોન,મોર્ગેજ લોન,હાઉસીંગ લોન,એજ્યુકેશન લોન આપવાની જાહેરાતો કરીને ગામડાના બેરોજગાર લોકોને લલચાવ્યા હતા.શિવમ કન્સલટન્સીના જવાબદારો દ્વારા અલગ અલગ ગામડાઓમાં મુલાકાત કરીને ગામલોકોને એકઠા કરીને જોઈએ તેવી લોન આપવા બાબતે સમજાવીને લોન માટેના દસ્તાવેજો કરાવવા ઓફિસે બોલાવવામાં આવતા હતા.છેલ્લા બે ત્રણ મહિનાથી રોજેરોજ ટોળાબધ્ધ લોકો ઓફિસમાં આવીને લોન માટેના દસ્તાવેજો સહી કરીને એગ્રીમેન્ટ માટે જરૃરી રૃ.૧પ૦૦ થી રૃ.ર૦૦૦૦ ભરવા લાગ્યા હતા.શિવમ કન્સલટન્સીના નામે ઠગાઈનો કારોબાર લઈને બેઠેલા ઈસમોએ આવનાર જરૃરિયાતમંદ પાસે જેટલા રૃપીયા ભરવાની સગવડતા હોય તે પ્રમાણેની લોન સ્કીમ સમજાવીને રૃપીયા ઉઘરાવવા માંડયા હતા.એગ્રીમેન્ટ થયા પછી આશરે એક મહિના બાદ લોન આપવાની ખાત્રી આપવામાં આવતી હતી,જ્યારે ગૃપ લોન માટે દશ કે વીસના ગૃપ બનાવવાની ગોઠવણ કરવામાં આવી હતી,જેમાં ગૃપ બનાવનારને વ્યક્તિદીઠ ચોક્કસ કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી,જેને પગલે જે તે વિસ્તારના લોકો પોતાની સાથે સાથે નજીકના મિત્રો, ઓળખીતા, સગાસંબંધીઓને બધુ કાયદેસર હોવાનો વિશ્વાસ આપીને લોન માટે રૃપીયા ભરવા તૈયાર કરી દીધા હતા. ખેડા અને આણંદ જિલ્લાના મહત્તમ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ભણેલા અને અભણ તમામ લોકો લોન મેળવવાની આશાએ ઠગ ટોળકીની વાતો આવી જઈને એજન્ટ કે ગ્રાહક બનીને રૃપીયા આપવા લાગ્યા હતા.બે થી ત્રણ જ મહિનામાં આશરે દશ હજારથી વધુ ગ્રાહકો બનાવી તેમની પાસેથી એગ્રીમેન્ટ પેટે રકમ એકઠી કરી લઈને લોન આપવાની તારીખો નજીક આવતાં ઠગ ટોળકીએ શિવમ કન્સલટન્સીની ઓફિસને તાળા મારી દઈને છેલ્લા બે દિવસથી લોન માટે આવતા લોકોને અલગ અલગ જવાબો અને બહાના બતાવવાના શરૃ કરી દીધા હતા.લોકોની ઘોંસ વધી જતાં આખરે જે તે સાહેરની માતાનું અવસાન થયું હોવાનો કાગળ ઓફિસના શટર ઉપર ચોટાડી દઈને ભાગી છુટવાનો સમય મેળવવાની કોશિષ કરી હતી.પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણીને લોકોએ બે દિવસથી નડિયાદ શહેર પોલીસ સ્ટેશને પહોંચીને જાણ કરી હતી,પણ પોલીસ ફરિયાદ નોંધાયા પછી જ કાર્યવાહીના મુડમાં રહેતાં ઠગ ટોળકીના તમામ સભ્યો ફરાર થઈ ગયા હતા.જ્યારે ગઈકાલે દિવસભર છેતરપીંડીનો ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશને પહોંચી જતાં આખરે મોડી સાંજ બાદ પોલીસે એક માત્ર ખેડાના રહીશ હિતેશભાઈ ગોપાલભાઈ દરજી સાથે  રૃ.ર૦૦૦૦ની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધી હતી,જેમાં આરોપી તરીકે શિવમ કન્સલટન્સીના રાહુલભાઈ પટેલ અને કુમારભાઈ પટેલ નોંધવામાં આવ્યા હતા.પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાથી અનેક અસરગ્રસ્ત ગ્રાહકો અને એજન્ટો પોલીસ મથકે ફરિયાદ કરવા માટે ગયા હોવા છતાં પોલીસે એક જ ફરિયાદ લઈને તમામને ફરિયાદ લઈ લીધી હોવાના જવાબો આપ્યા હતા.શિવમ કન્સલટન્સી દ્વારા કરોડો રૃપીયાની છેતરપીંડી અનેક લોકો સાથે કરી હોવા છતાં માત્ર રૃ.ર૦૦૦૦ની છેતરપીંડીની ફરિયાદ લઈને પોલીસ શું સાબિત કરવા માગે છે,તે કોઈને ખબર પડતી નથી.આરોપીઓને ઝડપી પાડવાને બદલે પોલીસ હાથ ઉપર હાથ ધરીને બેસી રહી છે,ત્યારે શિવમ કન્સલટન્સી સાથે જોડાયેલી ઠગ ટોળકીના તમામ સભ્યો તાબડતોબ વિદેશ ભાગી છુટવાની વેતરણમા હોવાની અથવા તો ભાગી છુટયા હોવાની વાતો સંભળાઈ રહી છે.

શિવમ કન્સલટન્સીના એજન્ટ તરીકે કામગીરી કરનારા અનેક લોકોની હાલત કફોડી બની જવા પામી છે,કારણ કે પોતાના રૃપીયા તો ગયા જ સાથે સાથે તેઓએ બનાવેલા અન્ય કેટલાયે ગ્રાહકોના રૃપીયા પણ ખોવાનો વારો આવ્યો છે.હવે ગ્રાહકો માત્ર ને માત્ર એજન્ટો ઉપર તવાઈ કરી રહ્યા છે.આણંદ,તારાપુર,મહેમદાવાદ સહિત બંને જિલ્લાઓમાં એજન્ટ તરીકે કામગીરી કરનારાઓમાં કેટલાક લોકો પોતાના ઘેર જઈ શકતા જ નથી,કારણ કે ગ્રાહકો તેમના ઘેર ઉઘરાણી કરવા બેઠા છે,જ્યારે એજન્ટ તરીકે જોડાયેલી કેટલીક મહિલાઓને મોબાઈલ ઉપર ધમકીઓ મળી રહી છે,કે અમારા પૈસા આપી દો નહિ તો તમારા બાળકોને ઉઠાવી જઈશું.આમ એજન્ટોની હાલત કફોડી બની જવા પામી છે.એક બાજુ શિવમ કન્સલટન્સીની ઠગ ટોળકી રૃપીયા લઈને ફરાર થઈ ગઈ છે,અને બીજી બાજુ ગ્રાહકો પોતાના પૈસાની માગણી કરી રહ્યા છે.આમ સામાન્ય કમિશન અને લોનની લાલચમાં એજન્ટો ફસાઈ ગયા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.પોલીસ દ્વારા સત્વરે ઠગ ટોળકીને જબ્બે કરીને લોકોના પૈસા પરત કરાવવામાં નહિ આવે તો ગ્રાહકોના રોજના ત્રાસ અને ધમકીઓથી એજન્ટોને મરવાનો વારો આવે તેવી હાલત અત્યારે તો જોવા મળી રહી છે.ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા કરોડોની ઠગાઈ કરીને ખેડા તેમજ આણંદ જિલ્લાના જરૃરિયાતમંદ લોકોને ઠગી લેનારા ઠગોને ઝડપી પાડવામાં આવે તેવી આશા રાખીએ.

 ફરિયાદીની વાટ જોતી પોલીસના વાંકે ઠગ ટોળકી પલાયન

શિવમ કન્સલટન્સી દ્વારા કરોડો રૃપીયાની છેતરપીંડી કરીને લોનને બહાને લોકોને ચુનો લગાવ્યો હોવાની વાતો જગજાહેર બની ગઈ હોવા છતાં નડિયાદ શહેર પોલીસે આળસ દાખવીને ફરિયાદીની વાટ જોતાં ઠગ ટોળકીને સમય મળી ગયો હતો,અને તેઓ ફરાર થઈ ગયા હતા.પોલીસે માત્ર ને માત્ર ર૦હજાર રૃપીયાની છેતરપીંડીની એક જ ફરિયાદ નોંધતાં અન્ય ભોગ બનેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.કરોડોની છેતરપીંડી સામે માત્ર સામાન્ય રકમની ફરિયાદ થતાં પોલીસની કાર્યશૈલી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ લખાય છે ત્યાં સુધી નડિયાદ શહેર પોલીસે લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ઈસમોની શોધખોળ હાથ ધરી હોવાનું પણ જોવા મળતુ નથી,ત્યારે અમદાવાદના અશોક જાડેજાની જેમ ગરીબ લોકોના રૃપીયા ખંખેરી જનારા શિવમ કન્સલટન્સીની ઠગ ટોળકીને ઝડપી પાડવામાં આવશે કે કેમ તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

આરોપીઓના સાચા નામ અને ઓળખાણ બાબતે દ્રિધા નડિયાદ : નડિયાદ ખાતે શિવમ કન્સલટન્સીના નામે લોન આપવાને બહાને લોકો પાસેથી કરોડો રૃપીયાની ઉઘરાણી કરીને ફુલેકુ ફેરવનાર કન્સલટન્સી ચલાવનારાઓના સાચા નામ અને ઓળખ બાબતે ભારે દ્રિધા જોવા મળી રહી છે.પોલીસ ફરિયાદમાં રાહુલભાઈ પટેલ અને કુમારભાઈ પટેલના નામ લખવામાં આવ્યા છે,જ્યારે પી.જે.વ્યાસ નામના ઈસમનો પણ ઉલ્લેખ ભોગ બનનારાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે,પરંતુ આ ત્રૃણેય નામ સાચા છે કે ખોટા ? તેઓ ક્યાં રહે છે ? ક્યાંના વતની છે ? જેવી વાતો કોઈ ચોક્કસ રીતે જાણતુ નથી.આમ શિવમ કન્સલટન્સીની ઠગાઈમાં ભોગ બનેલા લોકો પણ તેઓના નામ સાચા છે કે કેમ તે બાબતે દ્રિધા અનુભવી રહ્યા છે.ખેડા જિલ્લા પોલીસ દ્વારા જે ૃતે દુકાન માલિક પાસેથી દુકાન ભાડે રાખનાર ઈસમ અંગેની જાણકારી અને ઓળખાણ પોલીસમથકે આપવામાં આવી હોય તેના આધારે જ પોલીસ ઠગ ટોળકી સુધી પહોંચી શકે તેમ છે,ત્યારે જોવું રહ્યું કે પોલીસ કંઈ થીયરી પ્રમાણે તપાસ ચલાવે છે.

ખેડા અને આણંદ જિલ્લાના અનેક લોકોએ પૈસા ગુમાવ્યા

નડિયાદ ખાતે શિવમ કન્સલટન્સીના નામે ગૃપ લોન સહિતની અન્ય લોન આપવાને બહાને કરોડો રૃપીયાની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.ખેડા તેમજ આણંદ જિલ્લાના અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધંધો રોજગાર ઝંખતા બેરોજગારોએ લોન મેળવવા માટે યેનકેન પ્રકારે પૈસાની ગોઠવણ કરી હતી.પરંતુ તેઓની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણતાં જ ધંધો રોજગાર મળવાને બદલે વધારાના દેવા તળે સપડાઈ ગયા હોવાનો અહેસાસ હાલમાં કરી રહ્યા છે.ખેડા જિલ્લાના મહેમદાવાદ, બાલાસિનોર, મહુધા,માતર,કઠલાલ તેમજ આણંદ,ખંભાત,તારાપુર,સોજિત્રા સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક લોકો ઠગ ટોળકીનો ભોગ બન્યા છે,અને પોતાના સહિત સમગ્ર ગૃપના પૈસા ગુમાવ્યા હોવાનુ જાણવા મળેલ છે

ગ્રાહકોને શું જવાબ આપવો : સલમાબેન શેખ

નડિયાદ ખાતે શિવમ કન્સલટન્સી દ્વારા લોન આપવાને બહાને એગ્રીમેન્ટના નામે કરોડો રૃપીયાનું ફુલેકુ ફેરવ્યાના અહેવાલો અખબારોમાં વાંચીને પૈસા ભરનાર લોકો એજન્ટ તરીકે કામ કરનાર મહેમદાવાદના સલમાબેન જાફરભાઈ શેખે જણાવ્યું હતું કે ગ્રાહકો અમારી પાસે આવીને ફોર્મ તમે ભર્યા છે,એટલે તમારે પૈસા આપવા પડશે,તેમ કહીને પોતાના પૈસા માગી રહ્યા છે.અમે તમામ ગ્રાહકોના પૈસા શિવમ કન્સલટન્સીમાં ભરી દીધા છે,ત્યારે અમે પૈસા ક્યાંથી આપીએ અને ગ્રાહકોને શું જવાબ આપવો એ જ સમજાતુ નથી.અમારી હાલત કફોડી બની જવા પામી છે.

આજે ૧ર લાખ લેવા બોલાવ્યો હતો : પરેશ વેલદાર

નડિયાદ ખાતે શિવમ કન્સલટન્સીની ઠગાઈનો ભોગ બનેલા તારાપુરના ચાંગડાના રહીશ પરેશભાઈ હરિભાઈ વેલદારે જણાવ્યું હતું કે પોતાના ર૪ ફોર્મની ફી ભરી હતી,કુમારભાઈ પટેલ અને જે.પી.વ્યાસને રકમ આપી હતી.આજે ર૧ તારીખે રૃ.૧ર લાખની લોનની રકમનો ચેક લેવા માટે બોલાવ્યો હતો,પણ અખબારોમાં વાંચીને જ ખબર પડી ગઈ કે આપણી સાથે ઠગાઈ કરવામાં આવી છે.હવે મારે મારા ગૃપના અન્ય લોકોને સમજાવવા અઘરા થઈ ગયા છે,સાંજ સુધી ઘેર જવાય તેમ નથી,તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

ગ્રાહકો ફોન કરીને ધમકી આપી રહ્યા છે : રેહાનાબેન મણિયાર

આણંદ ખાતે ગાર્ડન સોસાયટીમાં રહેતા અને ખાનગી દુકાનમાં નોકરી કરતા રેહાનાબેન મણિયાર પણ નડિયાદની શિવમ કન્સલટન્સીમાં એજન્ટ તરીકે જોડાયા હતા.તેઓએ આણંદમાં ૧૦ અને તેઓના નણંદે માતર ખાતે ૧૮ ફોર્મ ભર્યા હતા.મજુરી કરીને ગુજરાન ચલાવતા લોકોએ લોન લઈને ધંધો કરવા માટે પૈસા ભર્યા હતા.રેહાનાબેને જણાવ્યું હતું કે એક બાબો અને એક બેબી હોવા છતાં ઘરના કામકાજ છોડીને અહીં આવતા હતા,આજે ફોર્મ ભરનારા તમામ લોકો ફોન ઉપર ધમકી આપે છે,અને કહે છે કે અમારા પૈસા આપો નહિ તો તમારા છોકરા ઉપાડી જઈશું,અને તમારી ઉપર કેસ કરીશું.હવે અમારી હાલત ખરાબ થઈ ગઈ છે.લોકોને કેવી રીતે સમજાવવું તે જ સમજાતુ નથી.

સાંઇબાબા મંદિરમાં દેરી હલતા કૌતુક


નડિયાદ તા.૨૨

ગતરોજ નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાંઇબાબા મંદિર ખાતે બન્યો હતો સાયં આરતી બાદ એકોક સાઇનાથની દેરી હલવા લાગતા પ્રથમ નાસભાગ મચી જવા પામી હતી પરંતુ અંતે આ સાંઇનાથનો ચમત્કાર હોવાનું જાણી હજ્જારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા ભક્તોની ભીડને જોતા મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. નડિયાદ શહેર ઉપરાંત આસપાસની ગ્રામ્ય પ્રજા પણ આ ચમત્કારના દર્શન કરવા ઉમટી પડી હતી.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સારદા મંદિર નજીક થોડા વર્ષો અગાઉ લાખ્ખો લોકોની આસ્થાના પ્રતિક સમાન સાંઇબાબા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રોજ અનેક શ્રધ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે આવતા હતા ગુરૃવારના દિવસે દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધનીય વધારો જોવા મળતો હતો આસ્થા ઉપરાંત સમાજ સેવાની અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આ મંદિરમાં ગતરોજ સાયં આરતી પૂર્ણ થયા બાદ લોકો સાંઇનાથની ર્મૂિતના દર્શન કરી રહ્યા હતા તે સમયે અચાનક જ સાંઇનાથની ર્મૂિત અને દેરી હલતી હોવાનું દર્શનાર્થીઓએ અનુભવ્યું હતું. સહુ પ્રથમ તો ભૂકંપની બીકે નાસભાગ મચી ગયા બાદ માત્ર દેરી જ હલતી હોવાનો અહેસાસ થતા લોકો પુનઃ મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરના પૂજારી તથા અન્ય દર્શનાર્થીઓએ મંદિરની આસપાસના પરિસરમાં તપાસ કરતા માત્ર દેરી જ હલતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આભાસ થતતો હોવાનું સમજી અનેક લોકોએ દેરીને સ્પર્શ કરતા ધ્રુજારી અનુભવાઇ હતી. આ વાત સમગ્ર વિસતારમાં વાયુવેગે પ્રસરી જતા રાત્રિના સમયે સાંઇના ચમત્કારના દર્શન કરવા હજ્જારોની સંખ્યા માં લોકો ઉમટી પડયા હતા વાહનો ઉપર શહેરના અનેક વિસ્તાર ઉપરાંત આસપાસના ગામડામાંથી પણ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવી ચઢયા હતા.

લોકોની ભીડને જોતા મંદિરની આસપાસ પોલીસ પણ ગોઠવાઇ ગઇ હતી. મધ્યરાત્રી સુધી સાંઇમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા લોકો મંદિરની મુલાકાતે આવતા રહ્યા હતા. અમૂક બુધ્ધિજીવીો હલતી દેરીને સાંઇનો ચમત્કાર માનવા તૈયાર ન હતા અમૂક દર્શનાર્થીઓએ દેરી ઉપરાંત મંદિર ઉપરના પતરા પણ હલતા હોવાનું અનુભવ્યું હતું. આ ચમક્તાકર છે કે કેમ તે ચકાસવા અનેક લોકો મંદિરની દિવાલોનો દેરીનો સ્પર્શ કરી ધ્રુજારી અનુભવાય છે કે કેમ તે ચકાસતા જોવા મળ્યા હતા. જો કે કારણ જે હોય તે પણ સ્થાનિકોમાં આ ઘટનાને પગલે શ્રધ્ધાનું ઘોડાપૂર ઉમટી પડયું હતું.

આ અંગે મંદિરના સંચાલક દેવેન્દ્રભાઇ પટેલે  (સાઇ સદાવ્રત, સાંઇમંદિર) જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ ૧૪-૫ ના રોજ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું દર ગુરૃવારે મંદિર દ્વારા ગરીબોને ભોજન આપવાની સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. ગતરોજ સાંજે ૭-૩૦ વાગ્યાથી દેરી હલતી જોવા મળી હતી થોડીવાર હલ્યા બાદ શાંત થતી દેરી પુનઃ હલવા લાગતી હતી આ સ્થિતિ લગભગ રાત્રીના ૧.૩૦ વાગ્યા સુધી રહી હતી આ વાત આસપાસના પંથકમાં પ્રસરતા સવારના પણ શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. હાલમાં કળિયુગમાં આ ઘટના એક ચમત્કાર હોવાનું સહુ કોઇ માને છે.

ત્યારે સાંઇબાબાની દેરીના હલવા પાચળનું રહસ્ય અકબંધ રહેવા સાથે લોકોમાં શ્રધ્ધાનું ઘોડાપૂર હજી પણ ઉમટેલું જોવા મળી રહ્યું છે.

ચમત્કારની વાત જાણી અનેક લોકો ન્યૂઝ ચેનલ જોવા બેસી ગયા

નડિયાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સાંઇબાબાના મંદિરની દેરી હલતી હોવાના સમાચાર પ્રસરતા જ અનેક લોકો સત્ય સાંઇબાબાની તબિયત જાણવા માટે ન્યૂઝ ચેનલ સામે ગોઠવાઇ ગયા હતા. બેય ઘટના એકબીજા સાથે સંકળાયેલી છે કે કેમ તે જાણવા લોકોએ સત્ય સાંઇબાબાની તબિયત વિશે સતત જાણકારી આપી રહેલ ન્યૂઝ ચેનલ જોઇ હતી. જો કે સત્ય સાંઇ બાબાની સ્થિતિ નાજુક હોવાનું જણાતા આ બેય ઘટના વિભિન્ન હોવાનું જણાયું હતું જો કે સાંઇમાં અખૂટ શ્રધ્ધા ધરાવતા હજ્જારો  લોકો હલતી દેરીના દર્શન કરવા ઉમટી પડયા હતા.

પાણીની ટાંકી ઉપર દેરી નિર્માણ પામી છે

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શારદા મંદિર માર્ગ ઉપરના સાંઇબાબાના મંદિરમાં ગતરોજ કુતુહલ સર્જાતા ઘટના ઘટી હતી. સાયં આરતી બાદ અચાનકજ દેરી હલતી હોવાનું અનુભવતા શ્રધ્ધાળુોમાં ભારે કૂલુહલ  સર્જાવા પામ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સદર દેરીનું નિર્માણ પામીની ટાંકી ઉપર ચણતર કરીને કરવામાં આવ્યું હતું. દેરીની નીચે આવેલ પાણીની ટાંકી ઉપર ચણતર કરી ૫ ફૂટનો ઓટલો બનાવી તેના ઉપર દોઢ ફૂટ જેટલી ઉંચાઇ ધરાવતી દેરીનું નિર્માણ કરી સાંઇનાથની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

પરીક્ષામાં બેસવા નહીં દેવાતાં પીટીસી કોલેજની બે છાત્રા બેભાન


નડિયાદ,તા.રપજિલ્લામથક નડિયાદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરમાં પી.ટી.સી.પ્રથમ વર્ષ અને દ્રિતીય વર્ષની ર૦૧૧ની ર્વાિષક પરીક્ષા આજથી શરૃ થઈ હતી.નડિયાદની મહિલા પી.ટી.સી.કોલેજમાં અભ્યાસ કરતી ૬ છાત્રાઓને આજથી શરૃ થતી પરીક્ષા માટે રીસીપ્ટ આપવામાં ન આવતાં તમામ છાત્રાઓ પરીક્ષા આપી શકી નહોતી.કોલેજ સત્તાવાળાઓને વારંવાર રજુઆત કરવા છતાં હાજરીના અભાવે તમામની રીસીપ્ટ કઠલાલ ડાયેટમાં જમા હોવાનું જણાવતાં પરીક્ષાથી વંચિત રહેનાર બે બાળાઓ ડીપ્રેશનમાં આવી જતાં બેભાન બની ગઈ હતી,જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.કોલેજ સત્તાવાળાઓએ વાલીઓ અને છાત્રાઓની બેદરકારીને કારણે તેઓ પરીક્ષા આપી શક્યા નથી,તેમ જણાવ્યું હતું,જ્યારે પરીક્ષા ન

આપી શકનાર છાત્રાઓના વાલીઓમાં ભારે રોક્ષ જોવા મળતો હતો. નડિયાદ શહેરમાં સંતરામ મંદિર નજીક આવેલી સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરમાં આજે પી.ટી.સી.ના પ્રથમ અને બીજા વર્ષની પરીક્ષાઓ શરૃ થઈ હતી.પરીક્ષા શરૃ થતાં જ અન્ય છાત્રાઓની જેમ આશરે કુલ ૬ જેટલી છાત્રાઓને પરીક્ષામાં બેસવા માટે જરૃરી રીસીપ્ટ આપવામાં ન આવતાં આ તમામ છાત્રાઓના વાલીઓએ કોલેજ સત્તાવાળાઓનો સંપર્ક કરીને તેમની પુત્રીઓને રીસીપ્ટ નહિ આપવા બાબતે હોબાળો કરીને પુછપરછ હાથ ધરી હતી.

આ બાબતે કોલેજ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રાજ્ય પરીક્ષા બોર્ડના આદેશ મુજબ પી.ટી.સી.ના ઉમેદવારોના પરીક્ષા ફોર્મ ર૦૦ દિવસની અપેક્ષિત હાજરીને ધ્યાનમાં રાખીને ભરવામાં આવતા હોય છે,પરીક્ષા પુર્ણ થવાના દિવસ સુધી જે ઉમેદવારોની હાજરી ર૦૦ દિવસની થતી ન હોય તેવા ઉમેદવારોની હોલટિકિટ (રીસીપ્ટ) જે તે કોલેજને આપવી નહીં.આવી રીસીપ્ટ પ્રાચાર્ય ડાયેટની કસ્ટડીમાં જમા રાખવામાં આવે છે.

આ ઉપરાંત ર૦૦ દિવસથી ઓછી હાજરી હોય અને કોઈ ડાયેટ કે પી.ટી.સી.કોલેજ દ્વારા આવા ઉમેદવારોને રીસીપ્ટ આપશે કે પરીક્ષામાં બેસાડવા પ્રયત્ન કરશે તો તેની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે,તેમ પણ જણાવવામાં આવેલ હોઈ ર૦૦ દિવસથી ઓછી હાજરી થતી હોય તેવી ૬ છાત્રાઓને પરીક્ષામાં બેસવા દીધી નથી,તેમ જણાવ્યું હતું. પીટીસીની પરીક્ષમાં બેસવા દેવામાં ન આવતાં છાત્રાઓ અને તેમના વાલીઓએ અનેક પ્રકારની રજુઆતો કરી હતી,જેમાં એક છાત્રાને હાર્ટની બિમારી હોઈ મેડીકલ સર્ટી.લઈને આવી હોવા છતાં તેને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહોતી.પરીક્ષામાં બેસવા ન દેવાતાં ડીપ્રેશનમાં આવી ગયેલી ૬ છાત્રાઓમાંથી બે છાત્રાઓ સમયાંતરે બેભાન થઈ ગઈ હતી,જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.આમ પીટીસી કોલેજની પરીક્ષામાં બેસવા દેવામાં ન આવતાં હાલ પુરતુ તો ૬ છાત્રાઓનું એક વર્ષ બગડી ગયું હોવાની રોષ મિશ્રિત લાગણી વાલીઓ અને છાત્રાઓમાં જોવા મળી રહી છે.

મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે..


મુગલે આઝમનું લોકપ્રિય ગીત

નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની રચના

  • ૧૯૧૯ માં ગુજરાતી નાટક છત્રવિજય માટે લખાયેલ ગીતની ઉઠાંતરી ગીતકાર શકીલ બદાયુની દ્વારા કરવામાં આવી હતી
  • ૪ દાયકા બાદ ગીતકારના પૌત્ર રાજ બ્રહ્મભટ્ટે વાંધો ઉઠાવ્યો
  • મુગલે આઝમના પુનઃ નિર્માણ થતાં આ ગીતના ગીતકાર
  • તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ સમાવાયુ
  • હેરિટેજ વિભાગ દ્વારા નજરઅંદાજ થયેલા રસકવિને સન્માન આપવામાં આવે તે આવકાર્ય

નડિયાદ, તા.૨૨

જિલ્લામથક નડિયાદમાં અનેક સાહિત્યકારો થઈ ગયા હોવાથી આજે ગર્વ સાથે નડિયાદને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે.નડિયાદના અનેક સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્ય સહિતને ઘણુ બધુ આપ્યું છે.નડિયાદના આવા જ એક ગીતકાર દ્વારા પોતાના ગુજરાતી નાટક માટે કથ્થક નૃત્ય માટે હિંદી ગીત લખવામાં આવ્યું હતું.નડિયાદના આ ગીતકાર દ્વારા નિર્માણ પામેલા મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ની કોઈપણ જાતની મંજુરી વિના ગીતની ઉઠાંતરી કરીને કે.આસીફની મુગલે આઝમ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યું હતું,જે તે સમયે તેનો કોઈ વિરોધ ગીતકારે ઉઠાવ્યો નહોતો,પરંતુ ચાર દાયકા પછી મુંબઈમાં રહેતા ગીતકારના પૌત્રએ વાંધો ઉઠાવતાં ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો ચુકાદો આપીને એ વાત માન્ય રાખી હતી કે મોહે મનઘટ પે નંદલાલ છેડ ગયો રે… ગીતના ખરા નિર્માણકર્તા નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા.

સૌથી વધુ સાહિત્યકારોની જન્મભુમિ,કર્મભુમિ કે વતન છે તેવા નડિયાદ શહેરના જ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૮૯રમાં થયો હતો.અભ્યાસ બાદ કવિતાઓ લખવામાં નિપુણ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે ગુજરાતી નાટકમાં કથ્થક નૃત્ય માટે મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…હિંદી ગીત લખ્યું હતું.નિર્માતા કે.આસીફ દ્વારા હિન્દી ફિલ્મ મુગલે આઝમ બનાવવામાં આવી ત્યારે ગીતકાર શકીલ બદાયુનીએ આ ગીતની ઉઠાંતરી કરીને સાચા ગીતકાર રઘુનાથ બ્રહ્મભટ્ટની મંજુરી વિના સમાવી લીધું હતું.

વર્ષ ૧૯૬૦માં જ્યારે મુગલે આઝમ ફિલ્મ રીલીઝ થઈ ત્યારે રઘુનાથ બ્રહ્મભટ્ટ દ્વારા કોઈ જ વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો,પરંતુ ૪ દાયકા પછસ તેઓના મુંબઈમાં રહેતા પૌત્ર ડો.રાજ બ્રહ્મભટ્ટ દ્વારા આ બાબતનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો,જેને પગલે મોટો વિવાદ ઉભો થતાં ફિલ્મ રાઈટર્સ એસોસિએશન દ્વારા પણ આ મામલે સહકાર આપવામાં આવ્યો હતો,જેને પગલે વર્ષ ર૦૦૪માં જ્યારે મુગલે આઝમ ફિલ્મની કલર ડી.વી.ડી. બહાર પાડવામાં આવી ત્યારે આ ગીતના નિર્માણકર્તા તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

મુગલે આઝમનું પુનઃ નિર્માણ કરનાર નિર્માતા બોનીકપુર અને દિનેશ ગાંધી સાથે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર રાજ બ્રહ્મભટ્ટે ગીત બાબતે સાચી જાણકારી આપતાં અને સમગ્ર બાબતથી વાકેફ કરતાં પુનઃ નિર્માણ થયેલી મુગલે આઝમ ફિલ્મના મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ગીતના નિર્માણકર્તા તરીકે રઘુનાથ બ્રહ્મભટ્ટનું નામ સમાવી લેવામાં આવ્યું હતું.જે અંગે શકીલ બદાયુનીના

પૌત્ર જાવેદ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.જેને પગલે ૪પ વર્ષે ધ ડિસ્પ્યુટ સેટલમેન્ટ કમિટી ઓફ ધ રાઈટર્સ દ્વારા ૯ જાન્યુઆરી ર૦૦૬ના રોજ વિવાદનો અંત આણીને ચુકાદો આપીને એસોસિએશને એ વાત માન્ય રાખી હતી કે મોહે પનઘટ પે નંદલાલ છડો ગયો રે…. ગીતના સાચા નિર્માણકર્તા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ હતા.આમ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે આ રસકવિ નડિયાદના અનેક સાહિત્યકારોમાંના જ એક છે.સાહિત્યકારોના સરનામા અને સાહિત્યિક યાત્રાની વાતો કરતા હેરિટેજ વિભાગ દ્વારા પણ જે તે સમયે રઘુનાથ બ્રહ્મભટ્ટ તરફ દુર્લક્ષ સેવ્યું હોવાનું કહેવાય છે. જો કે નડિયાદ નગરપાલિકા દ્વારા કાઢવામાં આવેલી સાક્ષરતા રેલી દરમ્યાન રઘુનાથ બ્રહ્મભટ્ટની સ્મૃતિ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પાલિકાના હેરિટેજ વિભાગે સ્મૃતિ સ્થળ માટેની ડિઝાઈન ઉપર મંજુરીની મહોર મારી દેવામાં આવી હતી.નડિયાદ શહેરમાં રસકવિ ના નિવાસ સ્થાનની નજીક આવેલા બ્રહ્મભટ્ટ ચોરા ખાતે સ્મૃતિ સ્થળનું નિર્માણ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.નડિયાદના બ્રહ્મભટ્ટ સમાજ હસ્તકની આ જગ્યા સમાજ દ્વારા ફાળવવાની પણ તૈયારી દાખવી છે,ત્યારે બ્રહ્મભટ્ટ ચોરાની જગ્યાએ રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની યાદમાં સ્મૃતિમંદિર ક્યારે બનાવવામાં આવશે,તે જોવું રહ્યું.જો કે અત્યારે તો બ્રહ્મભટ્ટ ચોરો તુટેલી ફુટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે,ત્યારે નડિયાદ નગરપાલિકા અને હેરિટેજ વિભાગ દ્વારા સાહિત્યકારોના સરનામા અને સાહિત્યિક યાત્રામાં નજરઅંદાજ થઈ ગયેલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની સ્મૃતિ કાયમી બને તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે તે આવકાર્ય છે.

 

%d bloggers like this: