આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

Category Archives: kathlal

શાળાના શિક્ષકો અને કઠલાલ નિરીક્ષક સામે કાર્યવાહીની માંગ


નડિયાદ, તા.૧૯

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને ૪ શિક્ષકોને શાળાના મુખ્ય શિક્ષક કોઈપણ જાતની પરવાનગી વિના ચાલુ શૈક્ષણીક કામગીરી દરમ્યાન પોતાના પુત્રના લગ્નમાં ગોઠવેલ ભોજન સમારંભમાં લઈ જતાં મધ્યાહન ભોજન અધિકારીના હાથે ઝડપાઈ ગયા હતા,જેને પગલે શાળાના મુખ્ય શિક્ષક સહિત અન્ય ૪ શિક્ષકો અને જાણ કરવા છતાં આ શિક્ષકો સામે કાર્યવાહી નહિ કરીને શિક્ષકોને આડકતરી રીતે પ્રોત્સાહન આપનાર કઠલાલ તાલુકા કેળવણી નિરીક્ષક સામે કડક કાર્યવાહીની માગણી થતાં જિલ્લાભરના પ્રાથિક શિક્ષણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો યેનકેન બહાને શાળાઓમાંથી ગિલ્લીઓ મારતા રહે છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર અને તાલુકા કેળવણી નિરીક્ષકો તેમજ બીટ નિરીક્ષકો દ્વારા માત્ર ને માત્ર દેખાડા ખાતરની શાળા મુલાકાતો અને ઈસ્પેક્શનો કરવામાં આવતા હોવાથી પ્રાથમિક શિક્ષકો બેદરકાર બનીને બાળકોના શૈક્ષણીક ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે.તેમાં તો વળી કેટલાક કેળવણી અને બીટ નિરીક્ષકો તો ઈસ્પેક્શન કરવા માટે શિક્ષકદીઠ રૃ.પ૦૦ થી ૧૦૦૦ ઉઘરાવી રહ્યા હોવાની વાતો પણ શિક્ષણ આલમમાં સંભળાઈ રહી છે.પ્રાથમિક શિક્ષકોની બેદરકારીના કિસ્સા સૌથી વધુ ખેડા જિલ્લાના કઠલાલ,કપડવંજ અને બાલાસિનોર તાલુકામાં જોવા મળી રહ્યા છે.

ગત તા.૭-૩-૧૧ના રોજ ખેડા જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી મધ્યાહન ભોજન યોજના દ્વારા કઠલાલ તાલુકાની લાડવેલ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેતાં બપોરે ૧.૩૦ કલાકે શાળા બંધ હોવાને કારણે મધ્યાહન ભોજન બંધ હતું.શાળા બંધ હોવાને કારણે મધ્યાહન ભોજન બંધ રહેતાં અધિકારીએ તપાસ હાથ ધરી હતી.જેમાં શાળાના બોર્ડ ઉપર બાળકો વન મહોત્સવમાં લઈ જવામાં આવ્યા હોવાનું લખવામાં આવ્યું હતું.જ્યારે તપાસ કરતાં જાણવા મળેલ કે શાળાના તમામ બાળકોને તા.૭-૩-૧૧ના રોજ શાળાના મુખ્ય શિક્ષક અને કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ગણપતસિંહ એમ.ચૌહાણના પુત્રના લગ્નનો ભોજન સમારંભ હોવાથી જમવા માટે ૮ કિ.મી.દૂર બાબાના મુવાડા ગામ ખાતે ૩ ટ્રેક્ટરોમાં લઈ જવામાં આવ્યા હતા.શાળામાં પ્રાર્થના કર્યા બાદ તુરંત જ બાળકોને શૈક્ષણીક કાર્ય કરાવવાને બદલે કોઈપણ જાતની પરવાનગી લીધા વિના તેમજ રજા રિપોર્ટ મુક્યા વિના મુખ્ય શિક્ષક અને અન્ય ૪ શિક્ષકો શાળાના તમામ બાળકોને લગ્ન પ્રસંગમાં લઈ ગયા હોવા અંગે શાળાની મુલાકાત લેનાર અધિકારીએ કઠલાલ કેળવણી નિરીક્ષકને જાણ કરીને યોગ્ય તપાસ કરીને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીને રીપોર્ટ કરવા જણાવ્યું હતું.મધ્યાહન ભોજન અધિકારી શાળામાં આવ્યા હોવાનું જાણીને બપોરના ૩ વાગ્યા પછી કેટલાક બાળકોને શાળામાં પાછા લાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.શાળાના ૬ શિક્ષકો તાલિમમાં ગયા હતા,જ્યારે મુખ્ય શિક્ષક ઉપરાંત ચાર શિક્ષકો મહેમુબમીયાં ખોખર, લાલાભાઈ એસ.પટેલ, પ્રેમીલાબેન જે.ઠાકોર,નયનાબેન પી.પટેલ બાળકોને લઈને લગ્નના ભોજન સમારંભમાં ગયા હોવાનું મધ્યાહન ભોજન અધિકારી કે.પી.પટેલે જણાવ્યું હતું.જેને પગલે તેઓએ તમામ શિક્ષકોને નોટિસ આપીને ખુલાસો કરવા જણાવ્યું હતું,જ્યારે કેળવણી નિરીક્ષકને ઉપરોક્ત શિક્ષકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

મધ્યાહન ભોજન અધિકારીએ લાડવેલ પ્રાથમિક શાળાની મુલાકાતમાં શાળા બંધ જોવા મળી હોવા અંગેની જાણકારી આપવા છતાં કઠલાલ કેળવણી નિરીક્ષક એ.ડી.ડાભી દ્વારા જવાબદાર મુખ્ય શિક્ષક અને સ્ટાફ સામે કાર્યવાહી ન કરતાં કે.પી.પટેલે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિતમાં રજુઆત કરી હતી કે લાડવેલ પ્રા.શાળાના મુખ્ય શિક્ષક તાલુકા સંઘના મહામંત્રી હોવાથી કેળવણી નિરીક્ષક દ્વારા તેઓની સામે કાર્યવાહી કરવાની ટાળી હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે તા.ર૯-૧૦-ર૦૦રનો સરકારના પરિપત્ર હોવા છતાં કઠલાલ તાલુકાના કેળવણી નિરીક્ષક છેલ્લા ૧૦ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે,પરિપત્ર મુજબ કોઈપણ કેળવણી નિરીક્ષકની વર્ષે એકવાર ઉનાળામાં બદલી કરવી અથવા તો વધુમાં વધુ ૪ વર્ષ બાદ જે તે સ્થળેથી અન્યત્ર બદલી કરવી તેમ છતાં કઠલાલ કેળવણી નિરીક્ષક ૧૦ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.લાડવેલ પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ અને મધ્યાહનને કોઈપણ પરવાનગી વિના બંધ રાખનાર શાળાના મુખ્ય શિક્ષક,સ્ટાફ અને જવાબદાર કેળવણી નિરીક્ષક સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી,જ્યારે કેળવણી નિરીક્ષક વર્ષોથી એકની એક જગ્યાએ ચીટકી રહ્યા હોવાથી તેઓની તાત્કાલિક અસરથી અન્યત્ર બદલી કરવાની પણ માગણી કરીને તમામની સામે ખાતાકીય તપાસની માગણી કરી હતી.આ અંગે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પુછતાં તેઓએ જણાવ્યું કે તાલુકા કેળવણી નિરીક્ષકનો રીપોર્ટ હજી સુધી આવ્યો નથી,રીપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.જ્યારે વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવવા બાબતે તેઓએ જણાવ્યું હતું કે જે નિયમાનુસાર હશે,તેમ કરવામાં આવશે.મધ્યાહન ભોજન અધિકારીએ કરેલી રજુઆતને પગલે સમગ્ર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisements
%d bloggers like this: