આપણું નડિયાદ

નડિયાદ જિલ્લાની નવાજૂની

ડાકોર સહિત જિલ્લાભરમાં ભારે ધામધૂમથી કૃષ્ણ જન્મની ઉજવણી


નડિયાદ, તા.૨૩
ભગવાન કૃષ્ણના જન્મ પ્રસંગે જિલ્લામથક નડિયાદ સહિત વિવિધ સ્થળોએ કૃષ્ણજન્મની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.ઠેરઠેર રાત્રિના બાર વાગે આતશબાજી સાથે ભગવાન જન્મોત્સવને વધાવી લેવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાય મંદિરે ભારે દબદબાભેર કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા,અને સમગ્ર ડાકોરને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી નારા સાથે ગજવી નાખ્યું હતું.રાત્રિના બારના ટકોરે જન્મ સમયે ડાકોર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. પગ મુકવાની પણ જગ્યા નહોતી, તેમ છતાં અબાલવૃધ્ધ, મહિલાઓએ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો.ડાકોર સહિત સમગ્ર જિલ્લાનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હોય તેમ જોવા મળતુ હતું.
ભારે ઉત્સાહ સાથે સેવકોએ નંદ મહોત્સવ મનાવ્યો : સાંસ્કૃતિક કાર્યકમો : ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ડાકોર મંદિર રોશનીથી ઝળહળી ઊઠયું
કૃષ્ણ જન્મ સમયે વીજળી કડાકા સાથેની થીમે લોકોનું ધ્યાન ખેંચ્યું
આભૂષણોથી સજ્જ બનેલા નંદ લાલાના દર્શન માટે ભારે ભીડ
જિલ્લાભરમાં ઠેરઠેર જન્મોત્સવની ઉજવણી
સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. લાખો ભક્તોએ મંદિરના ઘુમ્મટમાં ભગવાનના જન્મ સમયે રાત્રિના બારના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ના જયઘોષ સાથે સમગ્ર ડાકોરને ગજવી નાખ્યું છે.દુનિયાભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ભારે ધામધુમથી ઉજવણીઓ કરવામાં આવે છે,ત્યારે જગવિખ્યાત યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન શ્રી રણછોડરાયના મંદિરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભારે ધામધુમથી કરવામાં આવી હતી. યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીની રાત્રે ભગવાન રણછોડજીને પંચામૃત સ્નાન સાથે અભ્યંગ સ્નાન કરાવીને ભગવાનનો જન્મ કરાવવામાં આવે છે. ડાકોર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, આણંદ, નડિયાદ, મુંબઈ, ઠાસરા, સેવાલિયા, ઉમરેઠ, સહિત આસપાસના તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના જન્મની ઉજવણી કરવા પહોંચી ગયા હતા.ભગવાનના જન્મ સમયે ભાવવિભોર બનેલા ભક્તો નાચતા ગાતા ભગવાનના ભજનો સાથે રમઝટ બોલાવતા જોવા મળતા હતા.ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન બનેલા ભક્તો પોતાનામાંથી પર બનીને સંપુર્ણ ભક્તિમય બનીને જાણે કે પ્રભુમય બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા.ડાકોર મંદિરમાં જન્મોત્સવ અગાઉ બંધ કરવામાં આવેલી લાઈટો ડાકોર સહિત બારના ટકોરે વિજળીના કડાકા અને લાઈટીંગ સાથે કૃષ્ણજન્મની ઝાંખી ઉભી કરતી થીમે તમામ દર્શનાર્થીઓમાં ઉત્સુકતા વધારી દીધી હતી.
યાત્રાધામ ડાકોરમાં બારે માસ ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરવા આવે છે.ગઈકાલે જન્માષ્ટમી અને આજે નંદ મહોત્સવના દિવસે તેમના દર્શને લાખ્ખો ભક્તો ઉમટી પડયા હતા. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડયા હતા અને આ પ્રવાહ અવિરત ચાલુ જ રહ્યો હતો.યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગોમતીઘાટ ઉપર કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.જો કે બાલાસિનોરના ચીફ ઓફિસર વાય.જે.ગણાત્રાને ડાકોર નગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો,તેમ છતાં જન્માષ્ટમી પ્રસંગે ડાકોર નગરમાં લાખ્ખો દર્શનાર્થીઓ આવતા હોવા છતાં બે દિવસથી ડાકોરમાં નહિ આવનાર અને સરકારી કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેલા ચીફ ઓફિસરને હટાવીને તેમનો ચાર્જ ઠાસરા નાયબ મામલતદાર ભાભોરને આપવાની વાત જિલ્લા કલેક્ટરે કરી હોવાનું પણ જાણવા મળેલ છે.જન્માષ્ટમી પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યોજવામાં આવેલા સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર જ હાજર ન રહેતાં કાર્યક્રમ પ્રત્યે સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળતો હતો,જ્યારે ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન બનેલા ભક્તો કોઈપણ પ્રકારના સરકારી કાર્યક્રમ કે પ્રોત્સાહનના મોહતાજ રહેતા નથી.આવી અલૌકિક ભક્તિ અને આસ્થાને કારણે જ ડાકોરમાં કોઈપણ પ્રકારના ખાસ આયોજનો કે સગવડ નહિ મળતી હોવા છતાં દર વર્ષે અવારનવાર લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભગવાનની ઝલક મેળવવા આવતા જ રહે છે.
રાત્રિના બાર વાગ્યા પછી ડાકોરની ગલીએ ગલીએ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી… હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી… ના નારા સંભળાવા લાગ્યા હતા. ડાકોર તેમજ આસપાસના તમામ ગામડાઓની ધર્મપ્રેમી જનતા શ્રીજીના જન્મ સમયના દર્શનમાં ઉમટી પડી હતી.ભગવાનના જન્મ સમયે ભક્તોની ભારે ભીડને કારણે મંદિરમાં ચક્કાજામ મેદની જામી ગઈ હતી.ભગવાનને દુધ, કેશર, મધ, ઘી, સાકરથી પંચામૃત સ્નાન કરાવ્યા બાદ રાત્રિના સમયે શણગાર આરતી ટાણે સવા લાખનો મુગટ ચઢાવવામાં આવ્યો હતો.આ મુગટની આજથી સવા સો વર્ષ પહેલાં સવા લાખ રૂપિયા કિંમત હતી, જેની આજના યુગમાં કિંમત કરવી અશક્ય છે.રાતભર ભગવાનના દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. વહેલી સવારે મહાભોગ આરોગીને ભગવાન પોઢી ગયા હતા.અને આજે નોમના પારણાના દિવસે સવારે મંગળા આરતી બાદ ભગવાન બાળ સ્વરૂપના હોઈ તેમને શ્રૃંગારભોગમાં પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા અને સેવક ભાઈઓ નંદ, યશોદા, ગોપ-ગોપી બનીને મંદિર પરીસરમાં ફુંદરડી ફરતાં-ફરતાં હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી… ના નારા સાથે આનંદોત્સવ મનાવ્યો હતો.શ્રૃંગારભોગમાં નંદરાય,યશોદાજી, દાઢીજી તેમજ ગોપગોપીઓ દ્વારા દહીં,માખણ તેમજ મટકીફોડ કાર્યક્રમ ભગવાનના પારણા પાસે મનાવ્યો હતો.આ સમયે ગોપ ગોપીઓએ દહીં અને માખણ ઉડાડવામાં આવ્યું હતું.ભગવાનના જન્મની ઉજવણી અને તેમના દર્શન માટે ગઈકાલે રાત્રિથી અવિરત ભક્તોનો પ્રવાહ ચાલતો રહ્યો હતો.ગુજરાતભરના શહેરો અને ગામડાઓમાંથી શ્રધ્ધાળુઓ ડાકોરમાં ઉમટી પડયા હતા.ગામડાની ભજન મંડળીઓ અને સખીમંડળની બહેનો દ્વારા રાતભર ભજનોની રમઝટો બોલાવીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતુ.ડાકોર પોલીસની સાથે સાથે જિલ્લા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને યાત્રીઓને ર્પાકિંગ તેમજ ટ્રાફિકની અડચણ વિના આસાનીથી ભગવાનના દર્શન કરી શકાય તેવી સુલભ વ્યવસ્થા ગોઠવી હતી.
ડાકોર ઉપરાંત જિલ્લાના વડામથક નડિયાદ શહેરના સ્વામિનારાયણ મંદિર,નારાયણદેવ મંદિર,માઈમંદિર તેમજ નજીકના વડતાલ સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ મંદિરોમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.મંદિરો ઉપરાંત સોસાયટી અને શેરીઓના રહીશો દ્વારા આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.રાત્રિના બાર વાગે ગુલાલની છોળો ઉડાડી ફુલની પાંખડીઓ ઉપર ભગવાન કૃષ્ણને ઝીલવામાં આવ્યા હતા.ભક્તો દ્વારા ઉત્સાહિત બનીને ભારે આતશબાજી પણ કરવામાં આવી હતી.કૃષ્ણને પ્રિય એવા માખણ મીસરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.વિવિધ સ્થળોએ કૃષ્ણ જન્મ બાદ તુરંત જ મટકીફોડ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના કપડવંજ,ઠાસરા,બાલાસિનોર,વિરપુર,સેવાલિયા,કઠલાલ,મહુધા,મહેમદાવાદ, માતર,ખેડા સહિતના શહેરો તેમજ ગામડાઓમાં આવેલા મંદિરોમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લાના સ્વામિનારાયણ મંદિરોમાં પણ શ્રીજીના જન્મોત્સવની ભારે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.ઠાસરામાં આવેલા અને આસ્થાના પ્રતિકસમા આશાપુરી માતાના મંદિરે પણ કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી.ભગવાનના જન્મ સમયે સમગ્ર ઠાસરાની ર્ધામિક જનતાએ આશાપુરી મંદિરે પહોંચી જઈને ભગવાનને પારણે ઝુલાવ્યા હતા.ળજ્યારે કૃષ્ણ જન્મને બહાને શ્રાવણી જુગાર રમનારાઓ ભગવાનના જન્મને બાજુએ મુકીને એક ચિત્તે જુગારમાં સપડાઈ ગયેલા જોવા મળતા હતા.જિલ્લાભરમાં જુગારીઓ બંધબારણે મોટા પાયે જુગાર રમતા હતા.જુગારીઓને ઝડપી પાડવા જિલ્લાભરની પોલીસ રાતભર દોડતી રહી હતી,જેમાં ક્યાંક પોલીસ સફળ રહી હતી,જ્યારે હંમેશની જેમ કેટલીક પોલીસ નિષ્ફળ જ રહી હતી.
આખા લીમડામાં એક ડાળ મીઠી હો રણછોડ રંગીલા
નડિયાદ : ભક્ત બોડાણા વર્ષમાં બે વાર હાથમાં તુલસી લઈને ડાકોર થી દ્વારકા ભગવાનના દર્શન કરવા માટે ૭૦ વર્ષથી જતા હતા.દ્વારકાના નાથને બોડાણાએ પોતે હવે નહિ આવી શકે તેવી વ્યથા રજુ કરતાં ભગવાને કહ્યું કે ગાડુ લઈને આવજે હું ડાકોર આવીશ.આમ બોડાણા ભક્ત બળદગાડા સાથે દ્વારકા પહોંચ્યા અને ભગવાન રાત્રે ૧ર વાગે બધાને સુતા મુકીને બોડાણા સાથે બળદગાડામાં બેસીને ડાકોર આવવા નીકળી ગયા.પુર્વજન્મમાં શાપિત થયેલા બળદ અને ગાડાનો ભગવાને ઉધ્ધાર કર્યો અને એક જ રાતમાં ડાકોર પહોંચી ગયા.ભગવાને ડાકોરના પાદરમાં ગાડું થોભાવીને બોડાણાને કહ્યું કે તારા ગામના લોકોને લાવ અને વાજતે ગાજતે મને લઈ જા.આ સમયે ચાર વેદો,બ્રહ્મા,શિવ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.ગામના પાદરે લીમડાની ડાળ પકડીને ઉભા રહ્યા હોવાથી લીમડાની એક ડાળ મીઠી હોવાની લોકવાયકા પણ છે,અને આખા લીમડામાં એક ડાળ મીઠી કે રણછોડ રંગીલા નામનું લોકગીત પણ લોકમુખે આજે પણ સાંભળવા મળે છે.ભક્ત બોડાણા સાથે વાજતે ગાજતે ભગવાન ડાકોરમાં પધાર્યા અને ગોમતીમાં સંતાયા હતા.આ સમયે કોઈએ બોડાણાને તીર મારતાં આ તીર ભગવાનને વાગતાં આખેઆખી ગોમતીનું પાણી લાલ થઈ ગયું હતું, અને આ સમયે જ ભક્ત બોડાણા ભગવાનના વિમાનમાં સદેહે વૈકુઠમાં ગયા હોવાનું કહેવાય છે.ત્યારબાદ ભગવાન લક્ષ્મીજી મંદિરમાં બિરાજતા હતા.ત્યારબાદ આજથી આશરે ૪૦૦ વર્ષ અગાઉ તામ્વેકર કુટુંબના ગોપાલ નાયકે હાલનું રણછોડરાય મંદિર બનાવતાં ઠાકોરજી ભગવાન મહાવદ પાંચમના રોજ મંદિરમાં બિરાજ્યા હતા.
કૃષ્ણ જન્મ બાદ મટકી ફોડની ધૂમ
નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ડાકોર સહિત જિલ્લાભરના કૃષ્ણ મંદિરો સહિતના મંદિરોમાં તથા સોસાયટીઓ અને શેરીઓમાં પણ ભગવાન દ્વારિકાધીશના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ૯ વાગ્યાથી શરૂ થયેલ ભજનની રમઝટ સમય જતાની સાથે વાતાવરણને કૃષ્ણમય બનાવતી ગઈ હતી. શ્રી કૃષ્ણં શરણં મમ : ની ધૂન રાત્રીના ૧૧ વાગ્યાથી અનેક સ્થળોએ શરૂ કરી દેવામાં આવી હતી. રાત્રીના ૧ર વાગે ગુલાલનસ છોળો અને ગુલાબની પાદડીઓમાં ભગવાન કૃષ્ણને ઝીલી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અગાઉથી શણગારવામાં આવેલ પારણામાં લાલાને ઝુલાવવામાં આવ્યા હતા. ભક્તિ ગીતોની સાથે સાથે ભક્તોએ જગતના નાથને પારણે ઝુલાવ્યા હતા. ત્યારબાદ ભગવાનને પ્રિય એવી માખણ મિસરીનો ભગવાનને ભોગ ધરવામાં આવ્યો હતો. કગવાનના જન્મની ખૂશીમાં લોકોએ મટકીઓ પણ ફોડી હતી. વર્તમાન સમયમાં જે રીતે જન્મ દિન ઉજવવામાં આવે છે તે રીતે રાત્રીના ૧ર વાગે હેપ્પી બર્થ ડે ટુ અવર ડીયર ગોડ કૃષ્ણા લખેલી કેક પણ ભક્તજનો દ્વારા કાપવામાં આવી હતી. રાત્રી ઉપરાંત આજરોજ પણ વિવિધ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. આજરોજ સંતરામ મંદિર ખાતે પાનખરની હાશ સિનીયર સિટીઝન ક્લબ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ અનેક સ્થળોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a comment